તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
‘નશો છોડો, જીવન જોડો’ના સંદેશ સાથે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મુન્દ્રામાં મેરેથોન દોડ-2026 યોજાઇ
નશામુક્ત ભારત અને સેવા સંકલ્પ અભિયાનમાં 5 કિમીની દોડ; અંડર-14, અંડર-45 સહિતની કેટેગરીમાં વિજેતાઓનું સન્માન, લોકોએ ઉત્સાહભેર મેરેથોનમાં ભાગ લઈ નશા મુક્તિનો આપ્યો સંદેશ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ : નશામુક્ત ભારતના સંદેશને જનજન સુધી પહોંચાડવા મુન્દ્રા ડિવિઝન પોલીસ દ્વારા ‘નશો છોડો, જીવન જોડો’ના સંકલ્પ સાથે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મેરેથોન દોડ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. દોડમાં બાળકો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લઈ નશામુક્તિનો સંદેશ આપ્યો હતો. શિશુ મંદિર, બારોઈ રોડથી શરૂ થયેલી મેરેથોનને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ લીલી ઝંડી આપી હતી. તેઓ પોતે પણ દોડમાં જોડાયા હતા. આ પ્રસંગે મુન્દ્રા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદન, ડીવાયએસપી ક્રિશ્ચિયન સહિત પોલીસ અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મેરેથોનનો 5 કિમીનો રૂટ શિશુ મંદિરથી બારોઈ રોડ, તાલુકા પંચાયત, એસ.ટી. ચોક અને માંડવી ચોક થઈ ઘેટાં ઉછેર કેન્દ્રના વિશાળ મેદાન ખાતે પૂર્ણ થયો હતો.
*અંડર-14 અને અંડર-45 કેટેગરીમાં પણ ભારે ઉત્સાહ*
મેરેથોનમાં વિવિધ વયજૂથની કેટેગરી રાખવામાં આવી હતી, જેમાં ખાસ કરીને અંડર-14 અને અંડર-45 કેટેગરીમાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલા દોડવીરોને મેડલ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાપન સ્થળે વિદ્યાર્થીઓ દ્વારા ડ્રગ્સ અને નશામુક્તિ અંગે વિવિધ કૃતિઓ રજૂ કરી યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સંસ્થાઓ અને સ્વયંસેવકોનું પણ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના હસ્તે તુલસીના રોપા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નખત્રાણા ડેપ્યુટી કલેક્ટર ઉજ્જવલા નિકમ, મુન્દ્રા સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવી, કારોબારી ચેરમેન ધમભા ઝાલા, વીરાણીયા સરપંચ શક્તિસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ નાયબ વડા ક્રિશ્ચન સાહેબ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા પોલીસ મથકના પી.આઈ. એમ.આર. સકોરિયા, પ્રાગપર પોલીસ મથકના પી.આઈ. એ.કે. ભરવાડ તથા કોસ્ટલ પોલીસ મુન્દ્રાના પી.આઈ. ડી.બી. ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
મેરેથોન દોડ થકી નશા સામે જાગૃતિ સાથે સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
