News of Thursday, 26th November 2026
પશ્ચિમ કચ્છ પોલીસની ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી: ૭૭ કેસમાં ૧૦૧ આરોપીઓની ધરપકડ : ૧૦૨ કરોડથી વધુનો નશીલો જથ્થો જપ્ત
વર્ષ ૨૦૨૬ દરમિયાન ૩૯૭.૪૯૯ કિલો ડ્રગ્સ જપ્ત : જ્યારે ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં ૧,૧૫૦ કરોડનું કોકેઈન ઝડપાયું : આર્મ્સ એક્ટ હેઠળ ૨૫ કેસ, ૩૧ આરોપીઓની ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા નશાખોરી અને દેશવિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટે વર્ષ ૨૦૨૬ દરમિયાન સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત NDPS એક્ટ હેઠળ કુલ ૭૭ ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં ૧૦૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વિવિધ પ્રકારના કુલ ૩૯૭.૪૯૯ કિલોગ્રામ માદક પદાર્થો જપ્ત કર્યા છે, જેની અંદાજિત બજાર કિંમત ₹૧૦૨.૨૬ કરોડથી વધુ થાય છે.
પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગાંજો, ચરસ, એમડી (MD), હેરોઈન, બ્રાઉન સુગર, એમ્ફેટામાઈન અને પોષડોડા સહિતના માદક પદાર્થોનો સમાવેશ થાય છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ૨૨૮ પેકેટમાં પેક કરાયેલો ૨૪૭.૪૮૯ કિલોગ્રામનો બિનવારસી નશીલો જથ્થો પણ મળી આવ્યો હતો, જેને પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
આ ઉપરાંત અમદાવાદ ATS અને પશ્ચિમ કચ્છ પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન ₹૧,૧૫૦ કરોડની અંદાજિત કિંમતનું ૧૧૮.૯૭૭ કિલોગ્રામ હાઈ-પ્રોફાઈલ કોકેઈન ઝડપી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી નશીલા પદાર્થોની હેરાફેરીના નેટવર્ક સામે હાથ ધરવામાં આવેલી મહત્વપૂર્ણ કામગીરીમાંની એક રહી છે.
ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આરોપીઓની આર્થિક કમર તોડવા માટે પોલીસે તેમની ગેરકાયદે મિલકતો સામે પણ કડક કાર્યવાહી કરી છે. આ અંતર્ગત ₹૫૯.૯૨ લાખની કિંમતનાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં છે.
*આર્મ્સ એક્ટ હેઠળ ૨૫ કેસ, ૩૧ આરોપીઓની ધરપકડ*
ડ્રગ્સની હેરાફેરી ઉપરાંત ગેરકાયદે હથિયારોના ઉપયોગ અને સંગ્રહ સામે પણ પશ્ચિમ કચ્છ પોલીસે ઝુંબેશ ચલાવી છે. આર્મ્સ એક્ટ હેઠળ કુલ ૨૫ ગુના નોંધવામાં આવ્યા છે અને ૩૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમ, નશીલા પદાર્થો અને ગેરકાયદે હથિયારોના નેટવર્ક સામે પોલીસે એકસાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
