<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

પોરબંદર શ્રી હરિ મંદિરમાં શાલીગ્રામ ભગવાન સાથે તુલસીજીનો વિવાહોત્‍સવ

પૂ.ભાઈશ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતનમા વિધિપૂર્વક ઉત્‍સાહ સાથે ધામધૂમથી ઉજવાયો સાંદીપનિના પરિવાર, ભક્‍તજનો, ઋષિકુમારોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને ભક્‍તિભાવપૂર્વક તુલસી વિવાહના દર્શન કરી ધન્‍યતાની લાગણી અનુભવીઃ લગ્નવિધિ બાદ ઉપસ્‍થિત તમામ ભાવિકોએ ભોજનપ્રસાદી ગ્રહણ કરી

(પરેશ પારેખ - વિનુ જોશી દ્વારા)પોરબંદર - જુનાગઢ તા.૨૪: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રી હરિમંદિરમાં પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઇ ઓઝાની પ્રેરણાથી તુલસીજી માતાજીના વિવાહ શાલીગ્રામ ભગવાનનો વિવાહોત્‍સવ વિધિપૂર્વક અને ખુબ જ ધામધૂમથી સંપન્ન થયો હતો.

શ્રી હરિમંદિરમાં સાયં આરતી બાદ ખૂબજ વિશેષ રીતે સજાવેલા શણગારેલા લગ્નમંડપમાં કન્‍યાદાન વિધિ માટે નીરવભાઈ દવે તથા પરિવાર અને અતિથિઓ ઉપસ્‍થિત રહ્યા હતા તેમજ પોરબંદર શહેરથી ભગવાન શાલિગ્રામને વરરાજા સ્‍વરુપે પધરાવીને પોરબંદર શહેરના જાણીતા અગ્રણી  રાજભા જેઠવા તથા શહેરના અનેક પરિવારોને સાથે લઈ વાજતે ગાજતે જાન જોડીને શ્રીહરિ મંદિરમાં પ્રાંગણમાં પધાર્યા હતા. જાનૈયાઓએ આનંદ ઉલ્‍લાસ સાથે ફટાકડાઓ ફોડી ભવ્‍ય આતશબાજી કરી હતી. ત્‍યારબાદ ઢોલ શરણાઈના નાદ સાથે વરરાજા સ્‍વરુપ ભગવાન શાલિગ્રામનું કન્‍યપક્ષના નીરવભાઈ દવે તથા એમના પરિવારજનોએ સામૈયું કરીને સ્‍વાગત કર્યું હતુ તથા  ભગવાન શાલિગ્રામની જાન લઈને આવેલા શહેરના અગ્રણી રાજભા ગઢવી તથા અનેક અતિથિઓનું પણ સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું.

સ્‍વાગતવિધિ બાદ ખૂબ જ આકર્ષક રીતે સજાવેલા લગ્નમંડપમાં ખૂબ જ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત વરપક્ષ અને કન્‍યાપક્ષના અતિથિઓ તેમજ સાંદીપનિના પરિવાર જનોની ઉપસ્‍થિતિમાં લગ્નવિધિનો શુભારંભ કરવામાં આવ્‍યો. શાષોક્‍ત વિધિપૂર્વક અને સામાજિક રીત-રીવાજ મુજબ લગ્નગીત સાથે ભગવાન શાલીગ્રામના માં તુલીસીજી સાથેના વિવાહ સંપન્ન થયા હતા. આ લગ્નવિધિમાં નીરવભાઈ દવે તથા અશોકભાઈ થાનકી જોડાયા હતા અને સંપૂર્ણ લગ્નવિધિ કરી હતી. આ અવસરે ભગવાન શાલીગ્રામ અને માં તુલસીજીને અનેક વષો અને ઉપહારો પણ અર્પણ કરવામાં આવ્‍યા હતા.

ભગવાન શાલીગ્રામ અને માં તુલસીજીના વિવાહવિધિના મનોરથી તરીકે તૃપ્તિબેન ધીરજભાઈ પંડિત તથા ઊર્મિલાબેન સોલંકી અને પરિવાર દ્વારા મનોરથી તરીકે સેવા આપવામાં આવી હતી.  જેના પ્રતિનિધિ સ્‍વરૂપ મનોરથી દ્વારા સંપૂર્ણ લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આ મંગલ વિવાહોત્‍સવમાં સાંદીપનિના પરિવાર તેમજ પોરબંદર શહેરના ભક્‍તજનો અને ઋષિકુમારોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને ભક્‍તિભાવપૂર્વક તુલસી વિવાહના દર્શન કરી ધન્‍યતાની લાગણી અનુભવી હતી.લગ્નવિધિ બાદ ઉપસ્‍થિત તમામ ભાવિકોએ ભોજનપ્રસાદી ગ્રહણ કરી હતી.

(12:07 PM IST)