News of Thursday, 14th May 2026
ધોરાજીમાં પાણીના પ્રશ્ને હાહાકારઃ વોર્ડ-૨માં દુર્ગંધ મારતું પાણી, વોર્ડ-૫માં આઠ દિ'થી પાણી બંધ
બહારપુરા કુરેશી રોડ પર ગટર મિશ્રિત પાણી આવતા રોગચાળાની દહેશતઃ ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં વાસણો લઈ મહિલાઓ રસ્તા પર ઉતરી, ‘એક કાતરા પાણી'નું વચન ઠગારું સાબિત થયું: મહિલાઓના સુત્રોચ્ચાર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૧૪: ધોરાજી શહેરમાં પીવાના પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ વોર્ડ નંબર-૨ના બહારપુરા કુરેશી રોડ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દુર્ગંધ મારતું, કાદવયુક્ત ગંદુ પાણી વિતરણ થઈ રહ્યું છે, તો બીજી તરફ ભાજપનો ગઢ ગણાતા વોર્ડ નંબર-૫માં છેલ્લા આઠ દિવસથી પાણી બંધ હોવાથી રોષે ભરાયેલી મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે.
બહારપુરા વિસ્તારના કુરેશી રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની લાઈનમાં ગંદુ, કાદવયુક્ત અને અસહ્ય દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીનો રંગ બદલાઈ ગયો છે અને તેમાં કચરાના અંશો પણ જોવા મળે છે. જૂની-બિસ્માર પાઈપલાઈનના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળતું હોવાની આશંકા છે.
‘આવું પાણી પીવા તો દૂર, ઘરવપરાશ માટે પણ યોગ્ય નથી. બાળકો અને વળદ્ધોની તબિયત બગડવાનો ડર છે' એવું સ્થાનિક મહિલાઓએ જણાવ્યું. અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે નારાજગી છે. ડાયરિયા, ટાઈફોઈડ, કમળો, કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે.
ભાજપનો ગઢ ગણાતા વોર્ડ નંબર-૫ના વઘાસીયા ચોરા, મોચી બજાર, ચામડીયા કુવા ચોક, જીન મિલ રોડ, પીરખાના કુવા ચોક વિસ્તારમાં છેલ્લા છથી આઠ દિવસથી પાણી ન આવતા મહિલાઓએ વાસણો લઈને રસ્તા પર દેખાવો કર્યા હતા. ધોરાજી નગરપાલિકા અને ધારાસભ્ય વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, ‘નગરપાલિકાની ચૂંટણી સમયે ધોરાજીને એક કાતરા પાણી, નિયમિત અને શુદ્ધ પાણી આપવાનું વચન અપાયું હતું, પરંતુ એક પણ વચન પાળ્યું નથી. ના છૂટકે જનઆંદોલન કરવું પડ્યું છે.'
બહારપુરાના રહીશોએ તાત્કાલિક પાણીના સેમ્પલ લઈ તપાસ કરાવવા, લીકેજ બંધ કરવા અને ટેન્કર મારફતે શુદ્ધ પાણી આપવાની માંગ કરી છે. વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારીછે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
