<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

પોરબંદરનો ઘેડ પંથકમાં જળબંબાકારઃ નદીઓમાં આવ્યું ઘોડાપૂરઃ 12 ગામો સંપર્કવિહોણા

ભાદર, ઓઝત અને મધુવંતી નદીઓ બની ગાંડીતુરઃ નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ફરી વળ્યા

 

પોરબંદરઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ પોરબંદરમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે નીચાણવાળા ઘેડ પંથકમાં પૂર જેવી અત્યંત ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ભાદર, ઓઝત અને મધુવંતી નદીઓ ગાંડીતુર બની છે અને આ ત્રણેય નદીઓના ધસમસતા પૂરના પાણી ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે.

 

ખાસ કરીને કુતિયાણા અને ઘેડ પંથકના અંદાજે 12 જેટલા ગામો આ આકાશી આફતના કારણે પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, અને લોકો પોતાના માલસામાન તેમજ પશુધનને બચાવવા માટે સુરક્ષિત સ્થળોની શોધ કરી રહ્યા છે. આ કુદરતી આપત્તિના કારણે પ્રભાવિત ગામોને એકબીજા સાથે જોડતા મુખ્ય રસ્તાઓ તેમજ હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 

 

પોરબંદર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે રસ્તાઓ પર કેડસમાણા પાણી ભરાઈ જવાથી સંપર્ક તૂટી ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સતત નજર રાખી રહી છે.

તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે પાણીના આવા ધસમસતા અને જોખમી પ્રવાહ વચ્ચેથી કોઈપણ વ્યક્તિએ પસાર થવું નહીં અથવા વાહન ચલાવવાનું સાહસ કરવું નહીં. વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ રાહત કામગીરી માટે ટીમોને એલર્ટ પર મૂકવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

(4:22 PM IST)