<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

વિરપુર(જલારામ) જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીઃ ભાજપ સામે આંતરિક અસંતોષ, કોંગ્રેસ-આપ વચ્ચે કાંટે કી ટક્કરના એંધાણ

મેન્ડેટ વિવાદ અને સિનિયર કાર્યકરોની બાદબાકીથી ભાજપમાં રોષઃ વિરપુર-૧માં કોંગ્રેસનું પલડું ભારે, વિરપુર-૨માં આપની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ), તા. રપઃ જેતપુર તાલુકાની વિરપુર (જલારામ) જિલ્લા પંચાયતની ૧ સીટ અને તાલુકા પંચાયતની ૨ સીટની ચૂંટણી આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ સમાન બની છે. સ્થાનિક સ્તરે જોવા મળી રહેલા રાજકીય સમીકરણો મુજબ વિરપુરમાં 'ભાજપ V/S ભાજપ'ની સ્થિતિ સર્જાઈ છે.

વિરપુર જિલ્લા પંચાયતની સીટ શરૂઆતથી જ મેન્ડેટ વિવાદને કારણે ચર્ચામાં આવી હતી, જેના લીધે સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ સિનિયર કાર્યકરોની બાદબાકી, મનપસંદ ઉમેદવારોની પસંદગી અને મોંઘવારી જેવા મુદ્દાઓને કારણે વિરપુરની જનતામાં ભાજપ વિરોધી માહોલ સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આંતરિક સર્વે મુજબ વિરપુર તાલુકા પંચાયત-૧ની સીટ પર કોંગ્રેસનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોનો ભાજપ કરતા કોંગ્રેસના ઉમેદવાર પ્રત્યે વધુ વિશ્વાસ દેખાઈ રહ્યો છે. સિનિયર કાર્યકરોની નારાજગીનું કારણ માત્ર ટિકિટ કપાવી નહીં, પરંતુ કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવાર અને પક્ષમાં સક્રિય ન હોય તેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ પક્ષ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

બીજી તરફ વિરપુર-૨ની સીટમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મતદારો નવા વિકલ્પ તરફ વળ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. હાલની સ્થિતિએ વિરપુરમાં ભાજપ માટે જંગી બહુમતીથી જીત દૂર, પ્રતિષ્ઠા જાળવી રાખે તેવી જીત પણ પડકારરૂપ બની છે. હાલ કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે

(2:08 PM IST)