<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

મોરબીમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ: ખાનગી વીજ કંપની સામે પ્રતીકાત્મક બેસણું અને મુંડન કરી નોંધાવ્યો આક્રોશ

પૂરતા વળતરની માંગ સાથે જેતપર ગામના ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન: વીજપોલના વિવાદમાં રાજકીય ગરમાવો.

મોરબી:મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે, જેમાં વળતરના મુદ્દે આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતોએ કંપનીના સંચાલકોની માનવતા મરી પરવારી હોવાના આક્ષેપ સાથે રાત્રિના સમયે અનોખી રીતે 'બેસણું અને મોકાણ'નો કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો. આ લડત હેઠળ હાલ નવ જેટલા ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે, જ્યારે અનેક ખેડૂતોએ મુંડન કરાવીને પોતાની માગણીઓ પર મક્કમ રહેવાનો સંદેશ આપ્યો છે.

આંદોલનકારી ખેડૂતોના મતે, કંપની દ્વારા જે વળતરની ઓફર કરવામાં આવી રહી છે તે ખૂબ જ અપૂરતી છે અને તેનાથી જમીનનું મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂત અગ્રણી ધવલ પટેલ અને રાકેશ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ખેતરોમાં વીજપોલ ઉભા કરવાના કારણે વાવણી જેવી ખેતીલક્ષી પ્રવૃત્તિઓ અશક્ય બની ગઈ છે, છતાં કંપની દ્વારા અત્યાર સુધી કોઈને વળતર ચૂકવવામાં આવ્યું નથી. સમગ્ર મોરબી જિલ્લાના ખેડૂતો અને સામાજિક સંગઠનોએ આ આંદોલનને તન, મન અને ધનથી સમર્થન જાહેર કર્યું છે.

આંદોલનકારીઓની મુખ્ય માંગણી એ છે કે કોઈપણ કામગીરી શરૂ કરતા પહેલા ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર ચૂકવવામાં આવે. જ્યાં સુધી આ માગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. બીજી તરફ, વહીવટી તંત્ર અને કંપની તરફથી હજુ સુધી કોઈ સંતોષકારક સમાધાન આવ્યું ન હોવાથી, પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ગાંધી ચીંધ્યા માર્ગે શરૂ થયેલા આ આંદોલનમાં હવે સ્થાનિક રાજકીય નેતાઓ અને વિવિધ સમાજના સંગઠનો પણ જોડાતા મામલો વધુ ગરમાયો છે.

ખેડૂતોની આ લડાઈ હવે વળતરના મુદ્દાથી આગળ વધીને અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. આગામી સમયમાં ખેડૂતો દ્વારા વધુ આક્રમક કાર્યક્રમો આપવામાં આવે તેવી શક્યતા છે, જો વહીવટીતંત્ર યોગ્ય સમયે મધ્યસ્થી કરીને ઉકેલ નહીં લાવે તો મોરબી જિલ્લામાં વિરોધ પ્રદર્શનો વધુ વ્યાપક બની શકે છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ ખેડૂતોની માગણીઓને સ્વીકારીને આંદોલનને કઈ રીતે શાંત કરે છે, કારણ કે ખેડૂતો તેમની માગણીઓ પૂર્ણ થયા બાદ જ હટવા માટે મક્કમ છે.

(3:53 PM IST)