<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ગોંડલના લુણીવાવમાં વિનુએ પોતાના જ પેટમાં છરીના બે ઘા મારી લીધા

ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયોઃ માનસિક તકલીફ હોઇ અગાઉ પણ ઝેર પી ગયાનું પરિવારનું કથન

રાજકોટ તા. ૧૭: ગોંડલના લુણીવાવ ગામે રહેતાં યુવાને પોતાના જ પેટમાં છરીના બે ઘા મારી લેતાં આંતરડા બહાર નીકળી જતાં ગંભીર ઇજા થઇ છે. તેને ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાયો છે. માનસિક તકલીફ ધરાવતાં આ શખ્‍સે અગાઉ ઝેર પી લીધાનું અને ગઇકાલે પિતાએ બકરા ચરાવવા જવાનું કહેતાં મગજ ગુમાવતાં જાતે જ  છરીના ઘા મારી લીધાનું સગાએ કહ્યું હતું.

જાણવા મળ્‍યા મુજબ લુણીવાવ રહેતાં વિનુ ભીખુભાઇ સાડમીયા (ઉ.વ.૨૫) નામના દેવીપૂજક યુવાને સાંજે સાતેક વાગ્‍યે ઘરે હતો ત્‍યારે પોતાના પેટમાં છરીના બે ઘા મારી લેતાં આંતરડા નીકળી ગયા હતાં. આ દરમિયાન તેના ભાભી રૂમમાં આવી જતાં તેણે વિનુ પાસેથી છરી ઝુંટવી લઇ બૂમાબૂમ કરતાં પરિવારના બીજા લોકો આવી ગયા હતાં. વિનુને લોહીલુહાણ હાલતમાં ગોંડલ અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

વિનુ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ છે અને અપરિણીત છે. તે છુટક ખેત મજૂરી કરે છે અને બકરા ચારે છે. સગાના કહેવા મુજબ વિનુને માનસિક તકલીફ છે અને એના કારણે તે વાતે વાતે ગરમ થઇ જાય છે. ગઇકાલે પિતાએ બકરા ચરાવવાનું કહેતાં તેનો મગજ તપી ગયો હતો. આ પછી તેણે અચાનક જ સાંજે પોતાના પેટમાં છરીના ઘા મારી લીધા હતાં. બે વર્ષ પહેલા પણ તે ઝેરી દવા પી જતાં સારવાર માટે દાખલ કરાયો હતો. ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી  છે.

(1:19 PM IST)