News of Saturday, 30th May 2026
જામનગરના ખીમરાણા ગામમાં પોલીસ કાર્યવાહી સામે ગ્રામજનોમાં રોષ: નિર્દોષ યુવકને ખોટા કેસમાં ફસાવ્યાનો આક્ષેપ, કલેક્ટરને આવેદનપત્ર
બુટલેગરની કારનો વીડિયો બનાવનાર દેવરાજ ગોહિલની અટકાયત મુદ્દે વિવાદ, નિષ્પક્ષ તપાસની માંગ સાથે ગ્રામજનોનું આવેદન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : જામનગર જિલ્લાના ખીમરાણા ગામમાં બુટલેગરોના આતંક બાદ પોલીસ દ્વારા નિર્દોષ યુવાનોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, થોડા દિવસો અગાઉ ગામમાં બનેલી એક ઘટનાને લઈને સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને હોબાળો મચ્યો હતો. આ ઘટનામાં દારૂ ભરેલી કારને પકડી તેનો વીડિયો બનાવનાર ગામના એક યુવકને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે સમગ્ર ઘટનામાં જવાબદારી ટાળવા અને પોતાની આબરૂ બચાવવા માટે પોલીસે બીજા જ દિવસે દેવરાજ ગોહિલની અટકાયત કરી હતી. આ કાર્યવાહીથી ગામમાં અસંતોષનો માહોલ સર્જાયો હોવાનું પણ આવેદનમાં જણાવાયું છે.
ગ્રામજનો અને આગેવાનોએ જિલ્લા તંત્રને રજૂઆત કરીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવવા તથા નિર્દોષ લોકોને હેરાનગતિમાંથી મુક્તિ અપાવવા માંગણી કરી છે. ગામમાં પોલીસની એકતરફી કાર્યવાહી સામે ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
