<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

લીંબડીના દેવપરા ગામે કન્‍યા સગીર હોય લીલાતોરણે જાન પાછી ફરી

 

 વઢવાણફ તા.૧૩, લીંબડીના દેવપરા ગામે એક ૧૫ વર્ષીય સગીરાના બાળલગ્ન થવાનાં હોવાની બાતમી મળતા તંત્ર હરકતમાં આવ્‍યું હતું. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીના સીઓ ચિંતન પટેલને મળેલી અરજી અન્‍વયે ટીમ દ્વારા તાકીદે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્‍યું હતું કે દેવપરા ગામની સગીરાના લગ્ન ધોળકાના સરગવાડાના સાથે યોજાવાના છે. લગ્નમાં ૨ ટ્રેક્‍ટર ભરી જાનૈયાઓ પણ સામેલ થયા હતા.

બપોરનો હજુ જમણવાર જ ચાલી રહ્યો હતો ત્‍યાં અભયમ ૧૮૧ ચાઈલ્‍ડ હેલ્‍પલાઈન અને પાણશીણા પોલીસ સ્‍થળ પર જઈ લગ્નની તૈયારી કરી રહેલા બન્ને પક્ષોને બાળલગ્ન પ્રતિબંધકઅધિનિયમની કડક જોગવાઈઓથી માહિતગાર કર્યા હતા.  બાળલગ્ન કરાવવા કે તેમાં સહભાગી થવા બદલ ૨ વર્ષની જેલની સજા અને ૧ લાખ સુધીના દંડની જોગવાઈ છે. તંત્રના સમજાવટભર્યા પ્રયાસોને અંતે વાલીઓએ પોતાની ભૂલ સ્‍વીકારી હતી અને દીકરીના પુખ્‍ત વય થયા બાદ જ લગ્ન કરવાની ખાતરી આપી હતી.

સગાઇ થતી હોવાનું રટણ પણ ભાંડો ફૂટયોઃ

૧૫ વર્ષની સગીરા સાથે લગ્ન કરવા સરગવાડાથી ૨ ટ્રેક્‍ટર ભરી જાનૈયા લીંબડીના દેવપરા ગામે પહોંચી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ટીમ મંડપમાં પહોંચી ત્‍યારે સગા-સંબંધીઓ અમે સગાઇ કરી રહ્યાં હોવાનું જણાવતાં હતા પરંતુ મંડપ અને મોટી સંખ્‍યામાં જાનૈયા જોઇ બાળલગ્ન થતા હોવાની શંકા જતાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેના ભાગરૂપે લગ્ન અટકાવ્‍યા હતા

(10:49 AM IST)