તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
ભારે વરસાદની આગાહીના પગલે લાલપુર પ્રાંત અધિકારી સંજયસિંહ અસવારના અધ્યક્ષસ્થાને તાલુકા ટીમની સમીક્ષા બેઠક યોજાઈ : તમામ અધિકારી-કર્મચારીઓને મથક ન છોડવા અને આપત્તિ વ્યવસ્થાપન કામગીરી સુચારુ રાખવા સૂચના : જુઓ વિડિયો
વરસાદના કારણે કોઈપણ સ્થળે પાણી ભરાય કે કટોકટીની સ્થિતિ સર્જાય તો તુરંત જ તાલુકા કંટ્રોલ રૂમ તેમજ ઉચ્ચ તંત્રને જાણ કરવા તેમજ જે-તે ગામોમાં જેસીબી, ટ્રેક્ટર અને બચાવ કામગીરી માટેના જરૂરી સાધનો ઉપલબ્ધ રહે તે મુજબનું પ્લાનિંગ તૈયાર કરવા તાકીદ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૧ : લાલપુર તાલુકામાં આગામી ૩ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે તાલુકા તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. વરસાદી આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા અને રાહત-બચાવ કામગીરી સુચારુ રીતે પાર પાડી શકાય તે હેતુથી પ્રાંત અધિકારી સંજયસિંહ અસવારના અધ્યક્ષસ્થાને લાલપુર તાલુકા ટીમની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન પ્રાંત અધિકારીશ્રીએ તાલુકાના નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારો, નદી-નાળા કાંઠાના ગામો તેમજ ભૂતકાળમાં જ્યાં વધુ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોય તેવા વિસ્તારોની પરિસ્થિતિ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી તમામ જરૂરી સંસાધનો સાથે એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી હતી.
બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીએ તમામ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા કક્ષાના અધિકારીઓ, તલાટી-કમ-મંત્રીઓ અને ગ્રામસેવકોને આગામી દિવસોમાં મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવા અને સતત સંપર્કમાં રહેવા આદેશ આપ્યા હતા.
ભારે વરસાદના કારણે કોઈપણ સ્થળે પાણી ભરાય કે કટોકટીની સ્થિતિ સર્જાય તો તુરંત જ તાલુકા કંટ્રોલ રૂમ તેમજ ઉચ્ચ તંત્રને જાણ કરવા તેમજ જે-તે ગામોમાં જેસીબી, ટ્રેક્ટર અને બચાવ કામગીરી માટેના જરૂરી સાધનો ઉપલબ્ધ રહે તે મુજબનું પ્લાનિંગ તૈયાર કરવા તાકીદ કરાઈ હતી. સાથે જ નીચાણવાળા વિસ્તારો અને નદીના પટમાં ન જવા તથા વીજળીના થાંભલા કે વૃક્ષો નીચે આશરો ન લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં લાલપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પંચાયત સિંચાઈ અને માર્ગ-મકાન વિભાગના ઈજનેરશ્રીઓ, પોલીસ તંત્ર, વીજ કંપનીના અધિકારીઓ તેમજ તાલુકા ટીમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
