<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

કચ્છના પીઢ પત્રકાર મધુકાંત રાયસોનીનો જીવનદીપ બુઝાયો : ૯૨ વર્ષની વયે મુંબઈ ખાતે દુઃખદ નિધન

૫૫ વર્ષથી વધુની પત્રકારત્વ સફરમાં ‘કચ્છસત્તા’ સાપ્તાહિકના તંત્રી તરીકે સેવા આપી કચ્છના પ્રાણપ્રશ્નોને વાચા આપી : સમગ્ર પત્રકારજગતમાં ઘેરા શોકની લાગણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:કચ્છના પીઢ પત્રકાર અને વર્ષો સુધી 'કચ્છસત્તા' સાપ્તાહિકના તંત્રી તરીકે સેવા આપનાર મધુકાંત રાયસોનીનું મુંબઈ ખાતે ૯૨ વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયું છે. તેમના અવસાનના સમાચારથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતના પત્રકારત્વ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મધુકાંત રાયસોનીએ પત્રકારત્વ ક્ષેત્રે ૫૫ વર્ષથી વધુ સમય સુધી નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું હતું. તેમની આ લાંબી અને યાદગાર પત્રકારત્વ કારકિર્દી દરમિયાન તેમણે કચ્છના વિવિધ પ્રાણપ્રશ્નો, સામાજિક સમસ્યાઓ અને જનહિતના મુદ્દાઓને અખબારના માધ્યમથી સતત અને અસરકારક રીતે વાચા આપી હતી.

કચ્છની સાથે સાથે દેશ-વિદેશમાં વસતા કચ્છી શ્રેષ્ઠીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત અનેક મહાનુભાવો સાથે તેમનો પારિવારિક અને ગાઢ આત્મીય ઘરોબો રહ્યો હતો. તેમની સરળતા, મિલનસાર સ્વભાવ અને પત્રકારત્વના બહોળા અનુભવને કારણે તેઓ કચ્છના પત્રકાર જગતમાં એક આગવું અને આદરણીય સ્થાન ધરાવતા હતા.

તેમના અવસાનથી કચ્છના લઘુ અખબાર સંગઠન સહિત સમગ્ર પત્રકાર આલમે એક અનુભવી, વરિષ્ઠ અને માર્ગદર્શક પત્રકાર ગુમાવ્યા છે. 'એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝ પેપર્સ ઓફ ઇન્ડિયા'ના રાજ્ય પ્રમુખ મયુર બોરીચાએ મધુકાંત રાયસોનીના નિધન અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

(9:16 PM IST)