<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

વેરાવળ મર્કન્‍ટાઈલ કો-ઓપ. બેન્‍કની ૫૫મી વાર્ષિક સભા સંપન્નઃ ૧૫૮૮ કરોડનો બિઝનેસ, ૮.૫૧ કરોડનો નફો

ચેરમેન મધુબેન શાહે જાહેર કર્યા રેકોર્ડ પરિણામઃ શેરધારકોને ૧૨% ડિવિડન્‍ડ, તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૧૮ :.. સૌરાષ્‍ટ્રની અગ્રણી નાગરિક સહકારી બેન્‍કોમાંની એક ધી વેરાવળ મર્કન્‍ટાઈલ કો-ઓપરેટીવ બેન્‍ક લિ.ની ૫૫મી વાર્ષિક સાધારણ સભા રવિવારે વેરાવળ ખાતે સભાસદોની વિશાળ હાજરી વચ્‍ચે ચેરમેન મધુબેન એન. શાહના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ હતી.

સભામાં વાઈસ ચેરમેન સુરેશભાઈ જે. કંપાણી, બેન્‍કના ડિરેક્‍ટરો, બોર્ડ ઓફ મેનેજમેન્‍ટ અને શાખા સલાહકાર કમિટીના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. વાઈસ ચેરમેન સુરેશભાઈ કંપાણીએ આમંત્રિતોનું સ્‍વાગત કર્યું હતું.

ચેરમેન મધુબેન એન. શાહે અહેવાલ રજૂ કરતા જણાવ્‍યું કે, અહેવાલ વર્ષ ૨૦૨૫-૨૬માં બેન્‍કે યશસ્‍વી કામગીરી કરી છે. વર્ષાંતે બેન્‍કે રૂ. ૯૮૧.૬૦ કરોડની ડિપોઝિટ, રૂ. ૬૦૬.૫૩ કરોડના ધિરાણ અને કુલ રૂ. ૧૫૮૮.૧૩ કરોડનો બિઝનેસ હાંસલ કર્યો છે. ઈન્‍કમટેક્ષ અને તમામ જોગવાઈઓ બાદ રૂ. ૮.૫૧ કરોડનો ચોખ્‍ખો નફો કર્યો છે. બેન્‍કના રિઝર્વ રૂ. ૧૦૩.૮૯ કરોડને આંબી ગયા છે. આ પ્રગતિનો યશ તેમણે તમામ સભાસદો, થાપણદારો, ગ્રાહકો, કર્મચારીઓ અને સમગ્ર બોર્ડને આપ્‍યો હતો.

સભામાં બેન્‍કના પૂર્વ ચેરમેન નવીનભાઈ શાહ, પૂર્વ વાઈસ ચેરમેન ભાવનાબેન એ. શાહ અને ડિરેક્‍ટર ડો. સુમતિલાલ ટી. હેમાણીને લાંબા સમયની સેવા બદલ શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્‍યું. વર્ષ ૨૦૨૬ થી ૨૦૩૧ માટે બિનહરીફ ચૂંટાયેલા ડિરેક્‍ટરોનું પુષ્‍પગુચ્‍છ આપી અભિવાદન કરાયું હતું. બેન્‍કના મજબૂત નાણાંકીય પરિણામોને ધ્‍યાનમાં રાખી શેરધારકોને ૧૨ ટકા ડિવિડન્‍ડ ચૂકવવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્‍યો. સભાસદોએ તમામ ઠરાવોને મંજૂરી આપી બેન્‍કના ભાવી વિકાસ માટે સૂચનો રજૂ કર્યા.

બેન્‍ક દ્વારા વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં ધોરણ ૧૦ અને ૧૨માં ઉત્‍કળષ્ટ પરિણામ મેળવનાર ૨૭ સ્‍કૂલ્‍સના ૫૭ તેજસ્‍વી વિદ્યાર્થીઓ, ગૌરવંતા વાલીઓ અને પ્રિન્‍સિપાલોનું શિલ્‍ડ અને પુરસ્‍કારથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના ચેરમેન બિપીનભાઈ જી. સંઘવી અને ડિરેક્‍ટર જે.બી. મહેતાએ કર્યું. એજન્‍ડાના ઠરાવો CEO & MD અતુલ ડી. શાહે રજૂ કર્યા હતા. ડિરેક્‍ટર સંજયભાઈ એમ. થડેશ્વરે આભારવિધિ કરી હતી.

(1:28 PM IST)