<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

થાઇલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુ પૂજ્ય સોમદેત ફ્રા અને ‘રામાયણ’ના અભિનેતા ગગન મલિકની સ્વામિનારાયણ ગુરુકુળ જામનગર ખાતે ઐતિહાસિક મુલાકાત

વેદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય સ્વાગત બાદ મહાનુભાવોએ આયુર્વેદ હોસ્પિટલની સેવાઓને બિરદાવી : હર્બલ ગાર્ડનમાં વૃક્ષારોપણ કરીને ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ પટેલના નિવાસસ્થાને આશીર્વાદ પાઠવ્યા

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર શહેરની અગ્રણી શૈક્ષણિક અને સંસ્કારધામ સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શનિવારે એક આંતરરાષ્ટ્રીય સ્તરનો ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રસંગ સર્જાયો હતો. થાઇલેન્ડના બૌદ્ધ ધર્મના ૨૦મા અને વર્તમાન સર્વોચ્ચ ધર્મગુરુ પૂજ્ય સોમદેત ફ્રા અરિયવોંગ્સાગતાયાન પોતાના વિશેષ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગુરુકુળની મુલાકાતે પધાર્યા હતા. આ પવિત્ર મુલાકાતમાં તેમની સાથે લોકપ્રિય ટેલિવિઝન સીરિયલ ‘રામાયણ’માં ભગવાન શ્રીરામનું જીવંત પાત્ર ભજવીને વિશ્વભરના લોકોના દિલ જીતનાર જાણીતા અભિનેતા ગગન મલિક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વૈશ્વિક સ્તરના આ મહાનુભાવોના આગમનથી સમગ્ર ગુરુકુળ પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ભારતીય સંસ્કૃતિ મુજબ ભવ્ય સામૈયું અને હોસ્પિટલની મુલાકાત: ગુરુકુળ ખાતે પધારેલા થાઇલેન્ડના સર્વોચ્ચ ધર્મગુરુ અને અભિનેતા ગગન મલિકનું ભારતીય સનાતન સંસ્કૃતિની પરંપરા અનુસાર લલાટે તિલક, ચાંદલો, પુષ્પહાર અને ભવ્ય વૈદિક મંત્રોચ્ચાર સાથે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત વિધિથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા અને પવિત્રતાની સુગંધથી છલકાઈ ગયું હતું. મુલાકાતના પ્રથમ ચરણમાં મહાનુભાવોએ ગુરુકુળ સંચાલિત આધુનિક આયુર્વેદ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી. અહીં તેમણે ભારતની પ્રાચીન આયુર્વેદિક સારવાર પદ્ધતિ, પંચકર્મ ચિકિત્સા સહિતની વિવિધ સેવાઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી. હોસ્પિટલ દ્વારા સામાન્ય જનતા માટે ચાલતી નિઃસ્વાર્થ સેવાઓ અને માનવકલ્યાણના અવિરત પ્રયાસોની તેમણે મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

 શિક્ષણ પદ્ધતિની સમીક્ષા અને હર્બલ ગાર્ડનમાં ઔષધિય વૃક્ષારોપણ: આ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળને ગુરુકુળમાં આધુનિક ઢબે ચાલી રહેલા શિક્ષણ, સંસ્કાર સિંચન, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી ઉત્કર્ષ માટે થતા કાર્યોથી વિગતવાર માહિતગાર કરવામાં આવ્યું હતું. શાળામાં અદ્યતન શિક્ષણની સાથે ભારતીય મૂલ્યો અને દેશદાઝનું સુંદર સંકલન જોઈને બૌદ્ધ ધર્મગુરુએ ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાતની સ્મૃતિને ચિરંજીવી બનાવવા માટે ગુરુકુળના હર્બલ ગાર્ડનમાં કે. પી. સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂજ્ય સોમદેત ફ્રાના વરદહસ્તે કપૂર, રુદ્રાક્ષ અને બિલિપત્ર જેવા અત્યંત ઔષધિય અને ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર છોડનું રોપણ કરીને પર્યાવરણ જતનનો દિવ્ય સંદેશ આપવામાં આવ્યો હતો.

મેનેજિંગ ટ્રસ્ટીના નિવાસસ્થાને આત્મીય સ્વાગત અને સન્માન: મુલાકાત દરમિયાન પૂજ્ય ધર્મગુરુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શિક્ષણ, સંસ્કાર, માનવસેવા અને આયુર્વેદના ક્ષેત્રમાં જે પ્રશંસનીય કાર્યો થઈ રહ્યા છે તે સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ છે. આ પ્રકારના આયોજનો ભારત અને થાઇલેન્ડ વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોને ભવિષ્યમાં વધુ ગાઢ અને મજબૂત બનાવશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં પૂજ્ય સોમદેત ફ્રા અરિયવોંગ્સાગતાયાન, અભિનેતા ગગન મલિક અને પ્રતિનિધિમંડળના સભ્યો સ્વામિનારાયણ ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ પટેલના નિવાસસ્થાને પધાર્યા હતા. જ્યાં પિયુષભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ પૂજ્ય ધર્મગુરુના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ ભારતીય અતિથિ દેવો ભવની પરંપરા મુજબ મહાનુભાવોનું આત્મીય સ્વાગત અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું. આ મુલાકાતે જામનગરની શૈક્ષણિક અને આધ્યાત્મિક ઓળખને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપી છે.

(10:47 AM IST)