News of Wednesday, 7th October 2026
ત્રાપજ અને કેન્યા અકસ્માતના મૃતકોને પૂજ્ય મોરારિબાપુની શ્રદ્ધાંજલિ : પીડિત પરિવારોને રૂ. ૩.૭૫ લાખથી વધુની આર્થિક સહાય
અલંગ માર્ગ, કેન્યા અને રોહિસા ચોકડી નજીકના માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા ૨૫ સ્વજનોના પરિવારજનોને રૂ. ૧૫-૧૫ હજારની સાંત્વના સહાય : હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી

તલગાજરડા: અલંગ જતાં માર્ગ પર ત્રાપજ નજીક ઉભેલી ટ્રક સાથે વાહન ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ભિષણ અકસ્માતમાં ૭ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાના સીસીટીવી ફૂટેજ અને સમાચાર પ્રાપ્ત થતાં જ કથાકાર પૂજ્ય મોરારિબાપુ અત્યંત વ્યથિત થઈ ગયા હતા. પૂજ્ય બાપુએ આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીને તેમના પરિવારજનોને રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે, જેની નાણાકીય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવી છે.
આ ઉપરાંત, ગત ૩ ઓક્ટોબરના રોજ કેન્યાના નૈરોબી-મોમ્બાસા હાઈવે પર મિલિમા કીયુ વિસ્તારમાં દર્શનાર્થે જઈ રહેલા કેથોલિક શ્રદ્ધાળુઓના વાહનને અકસ્માત નડતાં ૧૭ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. સંવેદના સરહદોથી પર હોવાનો સંદેશ આપતાં પૂજ્ય મોરારિબાપુએ કેન્યાની આ ઘટનાના મૃતકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પરિવારજનો માટે રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૨,૫૫,૦૦૦ ની આર્થિક સહાય જાહેર કરી છે. આ રકમ નૈરોબી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સ્થાનિક ચલણમાં પીડિત પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.
ત્રીજી એક ઘટનામાં, રોહિસા ચોકડી નજીક બનેલા માર્ગ અકસ્માતમાં એક શ્રમિકનું અવસાન થતાં પૂજ્ય બાપુએ તેમના પરિવારને પણ રૂ. ૧૫,૦૦૦ ની સહાયતા અર્પણ કરી છે. પૂજ્ય મોરારિબાપુએ આ તમામ દુઃખદ ઘટનાઓમાં દિવંગત થયેલા આત્માઓના નિર્વાણ અને પરમ શાંતિ માટે શ્રી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાણવાન પ્રાર્થના કરી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
