News of Wednesday, 29th April 2026
જામનગર શહેરમાં વાહન ચોર ટોળકીનો તરખાટ: એક જ દિવસમાં ચાર વાહનોની ઉઠાંતરી, પોલીસ તંત્રમાં દોડધામ
જીજી હોસ્પિટલ વિસ્તાર ચોરો માટે હોટસ્પોટ, ત્રણ એક્ટિવા સહિત ચાર ટુ-વ્હીલર ચોરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 29 : જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય બની છે અને તરખાટ મચાવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એક જ દિવસમાં ચાર ટુ-વ્હીલર વાહનોની ઉઠાંતરી થવાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.
આ બનાવોમાં જીજી હોસ્પિટલ વિસ્તાર ચોરો માટે હોટસ્પોટ બની રહ્યો હોય તેવું સામે આવ્યું છે. અહીંથી અલગ અલગ સ્થળોએ પાર્ક કરાયેલા ત્રણ એક્ટિવા સ્કૂટરની ચોરી નોંધાઈ છે. અમીતભાઈ રાજેશભાઈ કટારમલનું જીજે-10-સીકે-8844 નંબરનું હોન્ડા એક્ટિવા કિંમત અંદાજે રૂ. 30,000 જીજી હોસ્પિટલના મેઈન ગેટ પાસે પાર્ક કરેલ સ્થિતિમાંથી ચોરી થયું હોવાથી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
તે ઉપરાંત વિક્રમસિંહ કનકસિંહ જાડેજાનું જીજે-10-ડીપી-8219 નંબરનું એક્ટિવા કિંમત રૂ. 35,000 જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગ નજીકથી અને રિયાઝ મહમદભાઈનું જીજે-37-એ-4949 નંબરનું એક્ટિવા કિંમત રૂ. 20,000 હોસ્પિટલ પાર્કિંગ વિસ્તાર સામેથી અજાણ્યા ચોરો ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે.
આ સિવાય બેડીનાકા વિસ્તારમાં ખાદીભંડાર રોડ પર આવેલી ફરસાણની દુકાન પાસે પાર્ક કરાયેલ હરેશભાઈ કાંતિલાલ ઠકરાર નામના વેપારીનું જીજે-10-સીસી-6353 નંબરનું જ્યુપીટર સ્કૂટર કિંમત રૂ. 20,000 પણ ચોરી થવા પામ્યું છે.
ચારેય બનાવોમાં અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનાઓ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને પગલે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
