તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
વૈદિક પરંપરાથી આધુનિક વિજ્ઞાન સુધીઃ હિન્દુ ધર્મમાં ‘ગોત્ર'નું મહત્વ અને તેનું વૈજ્ઞાનિક કારણ
આપણો વંશ અને મૂળઃ ગોત્ર પ્રથાનો ઇતિહાસ, સમાન ગોત્રમાં લગ્ન નિષેધ પાછળનું વિજ્ઞાન અને વંશાવળીની જાળવણી

હિન્દુ ધર્મમાં ગોત્ર... સરળતાથી કહીએ તો ગોત્ર એ આદિ-અનાદિ કાળની સંસ્કૃતિમાંથી મળેલી ભેટ છે. ગોત્ર એટલે વંશ. તેને કુળનું મૂળ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગોત્ર એટલે આપણે કયા ઋષિના વંશજ છીએ અને આપણો પરિવાર કયા ઋષિ સાથે જોડાયેલો છે તે દર્શાવે છે. એ ઋષિનું નામ જ તે પરિવારનું ગોત્ર ગણાય છે. આપણું ગોત્ર આપણને હજારો વર્ષ જૂના આપણા પૂર્વજો સાથે જોડે છે.
ગોત્ર પ્રથા હજારો વર્ષોથી એટલે કે વૈદિક સમયથી આચરણમાં છે. ધાર્મિક માન્યતા પ્રમાણે, પ્રભુ શ્રી બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયેલા સાત ઋષિઓ (સપ્તર્ષિ)ના આપણે સૌ હિન્દુઓ વંશજ છીએ. આ ઋષિઓનો વંશ જેમ-જેમ આગળ વધ્યો, તેમ-તેમ તે ઋષિઓના નામે ગોત્ર પ્રથા સ્થાપિત થઈ.
સપ્તર્ષિ અને ગોત્રની શરૂઆત
ગોત્રની શરૂઆત મુખ્યત્વે આ સાત ઋષિઓથી થઈ હોવાનું મનાય છેઃ (૧) કશ્યપ ઋષિ (૨) અત્રિ ઋષિ (૩) વશિષ્ઠ ઋષિ (૪) ગૌતમ ઋષિ (૫) વિશ્વામિત્ર ઋષિ (૬) જમદગ્નિ ઋષિ (૭) ભારદ્વાજ ઋષિ. સમય જતાં આ ઋષિઓના પરિવારમાંથી નવા ગોત્ર સ્થાપિત કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
સમાન ગોત્રમાં લગ્ન નિષેધની માન્યતા
જે પરિવારનો વંશ અને ગોત્ર એક હોય તેમાં લગ્ન ન કરવા જોઈએ (સહ-ગોત્રમાં વિવાહ નિષેધ). એવું કહેવાય છે કે બંનેના પૂર્વજ એક જ હોવાના કારણે (લોહીના સંબંધ) લગ્ન ન કરવા જોઈએ, કારણ કે સમાન ગોત્ર ધરાવતા ભાઈ-બહેન ગણાય છે.
ધાર્મિક કાર્યોમાં પણ કર્મકાંડી ભૂદેવો કોઈ વિધિ-વિધાન (પૂજા વગેરે) કરાવતી વખતે તે વ્યક્તિનું નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરાવે છે. આ ઉચ્ચારણથી તેનું પુણ્ય ફળ સમસ્ત પૂર્વજો અને પોતાને પ્રાપ્ત થાય છે. જેમ કે, જો પાર્સલ પર સરનામું બરાબર હોય પરંતુ મોકલનાર વ્યક્તિનું નામ જ ન લખ્યું હોય, તો ડિલિવરી મેન પાર્સલ કોને આપે? તેવી જ રીતે કોઈપણ વિધિ-વિધાનમાં ગોત્રના નામનું ઉચ્ચારણ કરવું અતિ આવશ્યક માનવામાં આવે છે. જે વ્યક્તિને પોતાના ગોત્રનું નામ ખ્યાલ ન હોય, તેના પર્યાય રૂપે ભૂદેવ કશ્યપ ઋષિના નામનું ઉચ્ચારણ કરી સંતોષની અનુભૂતિ કરાવે છે.
આધુનિક વિજ્ઞાન અને ગોત્ર (જીનેટિક્સ)
આજના આધુનિક જીનેટિક વિજ્ઞાનના સમયમાં પણ એ સાબિત થયું છે કે જ્યાં લોહીના સંબંધ કે સમાન જનીન (જીન્સ) ધરાવતા લોકો વચ્ચે લગ્ન થાય, તો આવનારા બાળકમાં આનુવંશિક બીમારીઓ, અપંગતા કે માનસિક ખામીઓ આવવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજનું વિજ્ઞાન પણ ઋષિમુનિઓની એ માન્યતાની પુષ્ટિ કરે છે કે તેઓ પણ જીનેટિક્સનું જ્ઞાન ધરાવતા હતા. આવનારા વંશજોને બીમારીથી ઉગારવા માટે જ આ ગોત્ર વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી હશે.
મૂળ ગોત્ર અને વંશની માહિતી ક્યાંથી પ્રાપ્ત કરવી ?
હિન્દુઓની દરેક જ્ઞાતિ અને પૂર્વજો પોતાની વંશાવળી જાળવી રાખે તે માટે પૂરા ભારતવર્ષમાં બારોટ વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવેલી છે અને આજે પણ છે. જે-તે સમાજે પોતાની અટક (સરનેમ, નુખ) મુજબના બારોટ પાસે રહેલા વંશાવળીના હસ્તલિખિત ચોપડામાંથી ગોત્ર, વંશ, કુળદેવી, નિવેદ્ય અને વંશપરંપરાગત વડવાઓનાં નામ જાણી શકે છે. યોગ્ય ભેટ-દક્ષિણા આપીને બાકી રહેતા પરિવારના નવા નામો અપડેટ પણ કરાવી શકાય છે.
પ્રાંત મુજબ બારોટને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. (જેમ કેઃ વહીવંચા, ભાટ, બળવાજી, રાવજી, દસૌંદી વગેરે).
ખાસ નોંધઃ અમુક કુટુંબમાં કુળદેવી શ્રદ્ધાથી પ્રસ્થાપિત હોઈ શકે છે. ચોપડામાં લખાયેલ કુળદેવીને પૂજવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અન્ય દેવીઓને પૂજવાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ લૌકિક કહેવત મુજબ કળ સિવાય બળ નહીં લેખકના અનુભવ મુજબ, જે-તે પરિવારે બારોટના ચોપડાની ખરાઈ કરવી અને બતાવેલી વિગત ક્યાં લખેલી છે તે જાણવું યોગ્ય રહેશે.
આલેખનઃ
રઘુવંશી (લોહાણા) સમાજના
વહીવંચા બારોટ નિકુલભાઈ, સુરેન્દ્રનગર.
મોબાઈલઃ ૯૯૧૩૬ ૭૯૩૬૯
મોબાઈલઃ ૯૯૨૫૩ ૪૦૫૪૮
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
