News of Saturday, 28th November 2026
ધ્રોલના હરીપર પંથકના ખેડૂતો માટે વાગુદડીયા વોંકળા પર સિંચાઈ યોજનાની આશા જાગી
રૂ.૩૮.૫૪ લાખના ખર્ચે સર્વે-ડિઝાઇનની દરખાસ્ત મંજૂરી અર્થે મોકલાઈઃ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની રજૂઆતથી ૧૬ વર્ષ જૂનો પ્રશ્ન ફરી જીવંત બન્યો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૮: ધ્રોલ હરીપર પંથકના ખેડૂતો માટે લાંબા સમયથી જોવાતું સિંચાઈના પાણીનું સપનું હવે સાકાર થવાની દિશામાં આગળ વધ્યું છે. વર્ષો પહેલાં અધવચ્ચે અટકી ગયેલી સિંચાઈ યોજનાને ફરી જીવંત કરવા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ કરેલી રજૂઆત ફળી છે. હરીપર ગામ નજીક આવેલા ગરેડીયા હનુમાન મંદિર પાસેના વાગુદડીયા વોંકળા પર નવી નાની સિંચાઈ યોજના બનાવવા માટે સરકારી તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો મુજબ, વાગુદડીયા વોંકળા (સર્વે નં.૨૬૨) પર સિંચાઈ યોજના શકય છે કે કેમ તેની તપાસ કરવા સર્વે, ડિઝાઇન અને એસ્ટીમેટ તૈયાર કરવા માટે રૂપિયા ૩૮,૫૪,૯૦૦નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ કામગીરી માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની દરખાસ્ત મુખ્ય ઈજનેર (સૌરાષ્ટ્ર) તથા અધિક સચિવ સમક્ષ મોકલવામાં આવી છે.
હરીપર અને આસપાસના ગામોમાં ખેડૂતોની સૌથી મોટી મુશ્કેલી સિંચાઈના પાણીની રહી છે. અગાઉ ભારે વરસાદ અને પૂરના કારણે ઉપરવાસ તથા નીચવાસમાં આવેલા ચેકડેમો તૂટી જતાં ચોમાસાનું કિંમતી પાણી રોકાવાને બદલે સીધું વહી જતું હતું. પરિણામે ખેડૂતોને પાણીની તંગીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ રજૂઆત કરી હતી. સ્થાનિક આગેવાનોને સાથે રાખીને સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ નવી સિંચાઈ યોજના બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.
ખાસ નોંધવા જેવી બાબત એ છે કે વર્ષ ૨૦૧૦માં જમીન સંપાદનના પ્રશ્ને આ યોજના અટકી પડી હતી. ખેડૂતોની આશા પણ જાણે અધવચ્ચે અટકી ગઈ હતી. પરંતુ સમયની જરૂરિયાત અને સતત રજૂઆતોને ધ્યાને લઈ ઉંડ-૧ સિંચાઈ યોજના હેઠળ ફરી આ કામગીરી હાથ ધરવા તંત્ર દ્વારા હકારાત્મક દિશામાં પગલાં ભરવામાં આવ્યાં છે.
હાલ સર્વે અને ડિઝાઇનની કામગીરી માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. જો આ દરખાસ્તને મંજૂરી મળે અને યોજના સાકાર થાય તો હરીપર સહિત આસપાસના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે મોટો લાભ મળી શકે તેમ છે. વર્ષોથી પાણીની રાહ જોતા ધરતીપુત્રોમાં આ સમાચારથી નવી આશાનો સંચાર થયો છે. હવે ખેડૂતોની નજર સરકારની અંતિમ મંજૂરી અને યોજનાના અમલીકરણ પર મંડાઈ છે. તેવું યાદીમાં જણાવાયું હતું.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
