News of Sunday, 14th June 2026
ખેતરે જવાનો રસ્તો બંધ કરાતાં વડિયાના ખેડૂતનો આપઘાત: આપવીતી વર્ણવતો વીડિયો વાયરલ
માનસિક ત્રાસથી કંટાળીને મનસુખભાઈએ ગટગટાવી ઝેરી દવા: ન્યાયની માંગ સાથે પરિવારે પોલીસ મથકે મૃતદેહ મૂકી હોબાળો કર્યો નોટીફીકેશન મુકવુ

અમરેલી, : અમરેલી જિલ્લાના વડિયામાં ખેતર તરફ જવાનો રસ્તો દબાવી દેવાતાં આર્થિક અને માનસિક રીતે હતાશ થયેલા સ્થાનિક ખેડૂત મનસુખભાઈ સોજત્રાએ ચાર શખ્સોના નામ જાહેર કરતો હૃદયદ્રાવક વીડિયો વાયરલ કર્યા બાદ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા પંથકમાં ભારે ચકચાર જાગી છે.
મળતી માહિતી મુજબ, વડિયામાં ખેડૂત મનસુખભાઈ સોજત્રાના ખેતરે જવાનો રસ્તો કેટલાક લોકોએ બંધ કરી દીધો હતો. આથી ખેડૂતે એક વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેમાં તેમણે ચાર લોકોના નામ જાહેર કર્યા હતા. ખેડૂતના મોત બાદ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારના લોકો રાત્રિના સમયે આશરે 9 વાગ્યે વડિયા પોલીસ મથકે લઈ પહોંચી ગયા હતા.
વીડિયોમાં ખેડૂત રડતી હાલતમાં પોતાની આપવીતી વર્ણવી રહ્યા હતા. જેમાં રસ્તો બંધ કરી દિધાનો અને તેમને માનસિક ત્રાસ આપ્યાનો ઉલ્લેખ કર્યો. ખેડૂતના પરિવારજનોએ મૃતદેહને પોલીસ મથકમાં લઈ જઈને ન્યાયની માંગણી કરી હતી. ઘટનાની ગંભીરતાને પગલે ડિવાયએસપી અને પોલીસનો કાફલો રાત્રે જ વડિયા પોલીસ મથકમાં દોડી આવ્યો હતો. તેમજ પરિવારજનોએ શબ સ્વીકારવાનો ઈનકાર કરીને જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરના સેઢા અને સૈયારા રસ્તાઓ બંધ કરવાના વિવાદો અવારનવાર લોહિયાળ સંઘર્ષમાં પરિણમતા હોય છે. આ ચકચારી ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે વડિયા પોલીસ મથકે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, તેમજ પોલીસે વાયરલ વીડિયોને મુખ્ય પુરાવો ગણીને આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની અને વીડિયોમાં નામ મેળવેલા ચારેય શખ્સોની અટકાયત કરવા માટે કાયદાકીય તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
