<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

બોટાદના રાણપુર પોલીસ સ્ટેશન બહાર હોબાળો :દીકરીને અન્ય સમાજના યુવક દ્વારા ભગાડી જવાના મામલે હિન્દુ સંગઠનો મેદાને

અંતે દીકરીને તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સોંપી દેવામાં આવી : દીકરી પરિવારને પરત મળતાની સાથે જ સમગ્ર મામલો થાળે પડ્યો

બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે અચાનક જ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે મોટી સંખ્યામાં લોકો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો પોલીસ સ્ટેશન બહાર એકત્રિત થઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, હિન્દુ સમાજની એક દીકરીને અન્ય સમાજના એક યુવક દ્વારા ફોસલાવીને ભગાડી જવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસ દ્વારા બંને યુવક અને યુવતીને શોધીને રાણપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જેના પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો અને ગ્રામજનો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. આ મામલે દીકરીની માતા દ્વારા પણ યુવક સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. માતાએ પોતાની દીકરીને ગેરમાર્ગે દોરીને લઈ ગયા હોવાની રજૂઆત કરી હતી. પરિવાર અને હિન્દુ સંગઠનોના અગ્રણીઓ દ્વારા દીકરીને તુરંત જ તેના વાલી-વારસોને પરત સોંપવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

પોલીસ સ્ટેશન પરિસરમાં વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસે સતર્કતા દાખવી હતી. પોલીસે બંને પક્ષોની વાત સાંભળીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી હતી અને અંતે દીકરીને તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સોંપી દેવામાં આવી હતી. દીકરી પરિવારને પરત મળતાની સાથે જ સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

(10:49 PM IST)