<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ગોંડલ પાલિકામાં વેપારીઓની બેઠકમાં હંગામો

કોંગ્રેસી આગેવાન યતિષ દેસાઈ અને કારોબારી ચેરમેન રાજેન્‍દ્રસિંહ વચ્‍ચે ભુગર્ભ અને મિલ્‍કત વેરા મુદ્દે ગરમાગરમી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩: ગોંડલ નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત શહેરના વેપારીઓ અને વેપારી એસોસિએશનના હોદ્દેદારો સાથે એક વિશેષ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગાંધી જયંતી નિમિત્તે શહેરને સ્‍વચ્‍છ રાખવાના અને વેપારીઓની સમસ્‍યાઓ સાંભળવાના હેતુથી બોલાવાયેલી આ બેઠકમાં અચાનક વેરા વધારાનો મુદ્દો ગાજતા વાતાવરણ ગરમ થઈ ગયું હતું. બેઠક દરમિયાન કોંગ્રેસી આગેવાન યતિષભાઈ દેસાઈએ પ્રજા અને વેપારીઓ પર ઝીંકાયેલા ભુગર્ભ અને મિલ્‍કત પર બેફામ ઝીંકાયેલા વેરા સામે અવાજ ઉઠાવ્‍યો હતો.

તેમણે કારોબારી ચેરમેન રાજેન્‍દ્રસિંહ જાડેજા અને શાસકો સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્‍યું હતું કે, નગરપાલિકામાં ૪૪ સભ્‍યોની બહુમતી તમારી છે, તો પછી વેપારીઓ અને પ્રજા પરથી અસહ્ય વેરો ઘટાડવા માટે સામાન્‍ય સભામાં ઠરાવ કરીને કમિશનર કે સરકારમાં કેમ મોકલતા નથી?ઙ્ઘ આ સાથે જ તેમણે બેઠકમાં હાજર વેપારીઓને પણ અપીલ કરી હતી કે તેઓ પોતાના હિત માટે મૌન તોડીને ખુલ્લીને રજૂઆત કરે.

આ રજૂઆત દરમિયાન કારોબારી ચેરમેન રાજેન્‍દ્રસિંહ જાડેજા અને યતિષભાઈ દેસાઈ વચ્‍ચે ભારે શાબ્‍દિક ગરમાગરમી અને બોલાચાલી થઈ હતી. કારોબારી ચેરમેન રાજેન્‍દ્રસિંહ જાડેજાએ વળતો પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે, જો આધાર-પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવે તો નગરપાલિકા ચોક્કસપણે તેનો અભ્‍યાસ કરીને યોગ્‍ય કાર્યવાહી કરશે.

આ બેઠકમાં વેપારી આગેવાન ગોપાલભાઈ ટોળિયા, જયકરભાઈ જીવરાજાની સહિત મોટી સંખ્‍યામાં સ્‍થાનિક વેપારીઓ અને નગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. નગરપાલિકા દ્વારા આ બેઠકમાં રાત્રિના સમયે ખાણી-પીણીની લારીઓ કે રેકડીઓ ચલાવતા વેપારીઓને આસપાસ ગંદકી ન ફેલાવવા, ફરજિયાત ડસ્‍ટબિન રાખવા અને કચરો ડોર-ટુ-ડોર કચરા ગાડીમાં જ નાખવા કડક સૂચના પણ આપવામાં આવી હતી.

(1:16 PM IST)