<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

જાફરાબાદ અને ખાંભા પંથકમાં અનરાધાર વરસાદ : અમરેલી જિલ્લામાં 4 દિવસથી જામ્યો વરસાદી માહોલ

ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, અને નાગેશ્રી સહિતના તમામ ગામડાઓમાં ધોધમાર વરસાદ : ખાંભાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ, અને ત્રાકુડા આસપાસના અંતરિયાળ ગામડાઓમાં વરસાદ ખાબકતા સ્થાનિક નદી-નાળાઓ જીવંત બન્યા

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ લાંબા વિરામ પછી ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરવાની સાથે-સાથે જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જાફરાબાદ અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થતાં પાણીની અછત દૂર થઈ છે.

જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદની પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી. છેલ્લા ચાર દિવસના વરસાદી માહોલ વચ્ચે તાલુકાના ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, અને નાગેશ્રી સહિતના આસપાસના તમામ ગામડાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.

જાફરાબાદની સાથે ખાંભા તાલુકામાં પણ હવામાન વિભાગની આગાહી પગલે સારો વરસાદ પડ્યો છે. ખાંભાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ, અને ત્રાકુડા તેમજ તેની આસપાસના અંતરિયાળ ગામડાઓમાં વરસાદ ખાબકતા સ્થાનિક નદી-નાળાઓ જીવંત બન્યા છે.

ચાલુ વર્ષે વાવણી બાદ લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા અને મોલ સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ છેલ્લા 4 દિવસથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા આ પ્રથમ સારા વરસાદના કારણે પાકને નવું જીવન મળ્યું છે. આ અમૃત સમાન વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને તેઓ હોંશે-હોંશે કૃષિ કાર્યમાં લાગી ગયા છે.

(9:00 PM IST)