<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ : જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ: વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી

લાઠી અને દામનગરમાં ધોધમાર વરસાદ:. દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડા અને ભારે પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ

અમરેલી :હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સંભવિત વાવાઝોડા અને ભારે પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે જાફરાબાદના દરિયાઈ બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન ખાતાની આ ચેતવણી બાદ સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

જિલ્લાના લાઠી અને દામનગર પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. દામનગર શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એકથી દોઢ ઈંચ જેટલો ખાબક્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. લાઠી પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે પ્રતાપગઢ, છભાડિયા અને ભીંગરાડમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દામનગર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકો જેવા કે મેથળી, રામપર અને ભુરખિયામાં પણ સાર્વત્રિક વરસાદ થતાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. લાંબા સમયની રાહ બાદ આ સારો વરસાદ થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.

બીજી તરફ, દરિયાકાંઠાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાંજના સમયે અચાનક ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જાફરાબાદના લોર, ફાચરિયા અને માણસા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ સિવાય ખાંભા તાલુકાના ડેડાણ અને ત્રાકુડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે.

છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન ગ્રામજનોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોની નદી-નાળા અને ખેતરોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. ખેતી લાયક વરસાદ થતાં જ ધરતીપુત્રોમાં હરખનો માહોલ છવાયો છે અને વાવણી કાર્યને વેગ મળે તેવી આશા જાગી છે.

(12:17 AM IST)