<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ગીર સોમનાથના દરિયાઈ પટ્ટીમાં અભેદ સુરક્ષા કવચ: પોલીસ કાફલાએ સંવેદનશીલ વિસ્તારોમાં ધામા નાખ્યા

મેગા સર્ચ ઓપરેશનમાં મરીન કમાન્ડો ફોર્સ, SOG અને સોમનાથ મરીન પોલીસની સંયુક્ત ટુકડીઓ જોડાઈ :આધુનિક શસ્ત્રો અને સાધનોથી સજ્જ સુરક્ષાકર્મીઓએ હીરાકોટ બંદરથી લઈને સુત્રાપાડા સુધીના કિલોમીટર લાંબા દરિયાઈ પટ્ટાને બારીકાઈથી તપાસ્યો

ગીર સોમનાથ જિલ્લા પોલીસે દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓ અને ઘૂસણખોરીને નેસ્તનાબૂદ કરવા માટે એક અભેદ સુરક્ષા કવચ તૈયાર કર્યું છે. "સજાગ દરિયાકાંઠો, સુરક્ષિત ગુજરાત"ના મંત્ર સાથે પોલીસ કાફલાએ સંવેદનશીલ વિસ્તારોમાં ધામા નાખ્યા છે.

ગીર સોમનાથ જિલ્લો તેની વિશાળ અને વ્યૂહાત્મક દરિયાઈ સીમા ધરાવે છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. તાજેતરમાં દરિયાઈ માર્ગે થતી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર હિલચાલ, ડ્રગ્સની હેરાફેરી કે અસામાજિક તત્વોની ઘૂસણખોરીને રોકવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એક ખાસ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ કોસ્ટલ સિક્યુરિટીને વધુ સુદ્રઢ બનાવવાનો અને સ્થાનિક માછીમારો તેમજ દરિયાકાંઠાના રહીશોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવાનો છે.

આ મેગા સર્ચ ઓપરેશનમાં મરીન કમાન્ડો ફોર્સ, SOG અને સોમનાથ મરીન પોલીસની સંયુક્ત ટુકડીઓએ ભાગ લીધો હતો. આધુનિક શસ્ત્રો અને સાધનોથી સજ્જ સુરક્ષાકર્મીઓએ હીરાકોટ બંદરથી લઈને સુત્રાપાડા સુધીના કિલોમીટર લાંબા દરિયાઈ પટ્ટાને બારીકાઈથી તપાસ્યો હતો. ખાસ કરીને હીરાકોટ, કદવાર અને તેની આસપાસના ગીચ જંગલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ડ્રોન કેમેરા અને દૂરબીન વડે દરિયામાં રહેલી બોટો અને શંકાસ્પદ હલચલ પર તીક્ષ્ણ નજર રાખવામાં આવી રહી છે.

માત્ર જમીન જ નહીં, પણ દરિયાના છીછરા પાણી અને કાદવ-કીચડવાળા વિસ્તારોમાં પણ પોલીસ જવાનોએ પગપાળા સર્ચ કરીને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. બંદરો પર આવતી તમામ નૌકાઓની નોંધણી અને ત્યાં કામ કરતા શ્રમિકોના ID કાર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ખાસ ડ્રાઈવ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે ગીર સોમનાથનો દરિયાકાંઠો હવે અભેદ કિલ્લા સમાન છે, જ્યાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી અશક્ય છે.

(7:44 PM IST)