<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ગિરનાર પરિક્રમામાં એક સાધુની અનોખી સેવા, થાકેલા લોકો શાંતિથી સૂઈ શકે એ માટે રેન બસેરા

છેલ્લા ૧૮ વર્ષથી સેવારત ચેતન બાપુ બ્રહ્મચારી, બોરદેવી તરફના રસ્‍તે પાંચ દિવસ સુધી ગાદલા-ગોદડા, અન્નક્ષેત્ર અને ઘોડિયાઘરની વ્‍યવસ્‍થા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૮: ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ત્‍યારે એક સાધુની અનોખી સેવા સૌનું ધ્‍યાન ખેંચી રહી છે. ચેતન બાપુ બ્રહ્મચારી કે જેઓ ગોપાલાનંદજી બાપુના પરિવારમાંથી આવે છે, તેઓ છેલ્લા ૧૮ વર્ષથી બોરદેવી તરફના રસ્‍તા ઉપર એક છાવણી ઊભી કરીને સેવા કરી રહ્યા છે.

પૂજ્‍ય બાપુ તેમના સ્‍વયંસેવકો સાથે પાંચ દિવસ સુધી પરિક્રમાના કઠિન માર્ગ ઉપર ગાદલા-ગોદડા, બાળકો માટે ઘોડિયા અને અન્નક્ષેત્ર લઈને પધારે છે. પરિક્રમા કરવા પધારેલા સૌ ભાવિક ભક્‍તો વિશ્રામ કરી શકે અને રાત્રિ દરમિયાન શાંતિથી ઊંઘી શકે તે માટે બાપુ ગાદલા-ગોદડાનો મોટો ભંડાર લઈને એક છાવણી ઊભી કરે છે.

તેમાં ભાવિકોને આરામ કરવા માટે એક મોટો વિશાળ પંડાલ ઊભો કરીને ભાવિકો નિરાંતની નીંદર માણી શકે તે માટે રેન બસેરા નામનું આ સેવા કાર્ય બાપુ દ્વારા અને તેમના સેવકો દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે સવારે ચા-પાણી-નાસ્‍તો, બપોરે અને સાંજે ભોજન પણ કરાવવામાં આવે છે. નાના બાળકો માટે ઘોડિયાઘરમાં ઘોડિયા પણ રાખવામાં આવે છે, જેથી બાળક આરામથી ઊંઘી શકે. સાથે સાથે ધાર્મિક કાર્ય તરીકે રોજ સવાર-સાંજ હોમ-હવન અને તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવે છે. પૂજ્‍ય ચેતન બાપુ બ્રહ્મચારી તેમના દાદા ગુરુ ગોપાલાનંદ બાપુની પ્રેરણાથી અને મુક્‍તાનંદ બાપુના આશીર્વાદથી આ સેવા કાર્ય કરી રહ્યા છે.

(1:07 PM IST)