<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ભાવનગરમાં NSUI દ્વારા કુલપતિના ‘ઈમાનનું બેસણું' રાખી અનોખો વિરોધ

રેગિંગના આરોપીઓની સજા માફ કરવાના નિર્ણય સામે વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ, નિર્ણય પરત ખેંચવાની માંગ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૪: સરકારી મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્‍યારબાદ કોલેજની એન્‍ટી રેગિંગ કમિટી દ્વારા આરોપી વિદ્યાર્થીઓને સસ્‍પેન્‍ડ કરવા સહિતની શિસ્‍તમૂલક સજા ફટકારવામાં આવી હતી. જોકે, બાદમાં આ સજામાં રાહત આપવામાં આવી હોવાનો મુદ્દો સામે આવતા વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્‍યો છે.

આ નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનો એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા કુલપતિ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સંગઠનોએ સજા માફીનો નિર્ણય તાત્‍કાલિક પરત ખેંચવાની માંગ સાથે વિરોધ નોંધાવ્‍યો હતો. વિદ્યાર્થી આગેવાનોનું કહેવું હતું કે રેગિંગ જેવા ગંભીર ગુનામાં સજા માફ કરવાથી ખોટો સંદેશ જશે અને ભવિષ્‍યમાં આવી ઘટનાઓને પ્રોત્‍સાહન મળી શકે છે.

વિદ્યાર્થી સંગઠનોએ સવાલો ઉઠાવ્‍યા હતા અને ચેતવણી આપી હતી કે જો નિર્ણય પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ દરમિયાન આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી કાર્યાલય ખાતે અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંગઠનના કાર્યકરોએ રાજ્‍યની કોઈપણ યુનિવર્સિટીમાં રેગિંગના આરોપીઓની સજા માફ કરવાનો કોઈ નિયમ ન હોવાનું રજૂઆત કરી હતી. ત્‍યારબાદ વિરોધના પ્રતીકરૂપે યુનિવર્સિટી પરિસરમાં કુલપતિના ફોટાને ફૂલહાર પહેરાવી તેમના ‘ઈમાનનું બેસણું' રાખી પ્રતીકાત્‍મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અનોખા વિરોધ દ્વારા વિદ્યાર્થી આગેવાનોએ પોતાનો ઉગ્ર વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો.

(10:41 AM IST)