News of Monday, 16th November 2026
મોરબી જલારામ ધામ ખાતે પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતીની અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી.
જળ એ જ જીવન' ના મંત્રને સાર્થક કરવા ઘેર-ઘેર પાણી પહોંચાડતા મોરબીના 'વાલમેન' ભાઈઓના હસ્તે કેક કટિંગ અને મહાઆરતી કરાઈ: મોરબી બન્યું જલારામમય : પૂ.જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા નીકળી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતી નિમિત્તે પંચવિધ કાર્યક્રમોનું ભવ્ય અને અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ જલારામ ધામ ખાતે દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને સમગ્ર વાતાવરણ 'જય જલારામ' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
આ પાવન પર્વ નિમિત્તે મોરબી જલારામ ધામ ખાતે સવારે પ્રભાત ધૂન, ત્યારબાદ આકર્ષક અન્નકૂટ દર્શન, વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ, મહાઆરતી તેમજ મહાપ્રસાદ સહિતના પાંચ કાર્યક્રમો યોજાયા હતા.
227મી જન્મજયંતીના આ અવસરે મંદિરમાં ભગવાન રામ અને જલારામ બાપાની અત્યંત સુંદર કલાત્મક રંગોળી પણ બનાવવામાં આવી હતી. તેમજ બાપાની સમક્ષ વિવિધ મિષ્ટાન્ન, ફરસાણ અને ફળો શણગારીને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શનનો લાભ બહોળી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
મોરબી જલારામ ધામની પરંપરા રહી છે કે દર વર્ષે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રિત કરી ઉજવણી કરવામાં આવે છે. વર્તમાન સમયમાં જ્યારે ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ જોવા મળી છે, ત્યારે 'જળ એ જ જીવન' ના મંત્રને અને જળનું સાચું મહત્વ સમજાવવા આ વર્ષે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. મોરબીમાં જેઓ પાણીની લાઈનો ચાલુ-બંધ કરી ઘરે-ઘરે જળ એટલે કે 'જીવન' પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરે છે, તેવા તમામ શ્રમજીવી 'વાલમેન' ભાઈઓને આ કાર્યક્રમમાં વિશેષ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ વાલમેન ભાઈઓના વરદ હસ્તે જ કેક કટિંગ અને મહાઆરતી કરાવીને તેઓના નિઃસ્વાર્થ કાર્યને બિરદાવી બાપાની જન્મજયંતીની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી બન્યું જલારામમય : પૂ.જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા નીકળી.
દરિયાલાલ પ્રભુના મંદિરેથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ફ્લોટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર
"દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ" આ જીવન મંત્ર સાથે પરોપકારનો સંદેશ આપનાર એવા સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિની મોરબીમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે શહેરમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં જોડાયેલા વિવિધ આકર્ષક ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોટી સંખ્યામાં ભાવિકોએ મોરબીના માર્ગો જલારામ બાપાના જયઘોષથી ગુંજાવી દીધા છે.
જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા છેલ્લા 3 વર્ષની સફળતા બાદ આ 4થા વર્ષે પણ સમગ્ર મોરબીને વીરપુરમય બનાવવા આ ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રા રઘુવંશી સમાજના આરાધ્ય દેવ દરિયાલાલ પ્રભુના મંદિરે, નગર દરવાજા અંદરથી શરૂ થઈ છે. ત્યાંથી ગાંધી ચોક, લોહાણા વિદ્યાર્થી ભવન અને રામ ચોક પહોંચી ત્યારબાદ જૂના બસ સ્ટેશન જઈને અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે દિવ્ય આરતી યોજાશે. ત્યાંથી આગળ વધી સરદાર બાગ ખાતે કેક કટિંગ કરી નવા બસ સ્ટેન્ડ પસાર કરીને સાંજે શોભાયાત્રા બાપા સીતારામ ચોકમાં સંપન્ન થશે. આ 4થા વર્ષના આયોજનમાં જલારામ બાપા, વીરબાઈ માં, રામ દરબાર, શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી અને કૃષ્ણ દરબાર જેવા દેવસ્વરૂપોના વિવિધ ફ્લોટ્સ ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
