<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ભાવનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની અનન્ય ભક્તિમય પહેલ

શ્રવણ યાત્રા' અંતર્ગત ૧૯૦૮ બહેનો અને કાર્યકર્તાઓ સાથે ૩૮ બસો મારફતે ભાવનગરથી સોમનાથ મહાદેવની ધર્મયાત્રા જશે

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના  ધારાસભ્ય અને ગુજરાત સરકારના પ્રવક્તા કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પોતાના મતવિસ્તારના નાગરિકો માટે સતત સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, વડીલો અને માતા-બહેનો પ્રત્યે આદર-શ્રદ્ધા પ્રગટ કરતા 'શ્રવણ યાત્રા' પ્રોજેક્ટ અંતર્ગત એક ભવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં ભાવનગર પશ્ચિમ વિસ્તારની ૧૯૦૮ જેટલી બહેનો અને સ્વયંમસેવકો જોડાશે, જેમને પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, પૂજા અને આરતીનો લહાવો મળશે.
આ ઐતિહાસિક શ્રવણ યાત્રાનું પ્રસ્થાન તારીખ ૨૧/૧૦/૨૦૨૬ ને બુધવારે રાત્રે ૮:૩૦ કલાકે, ૐ પાર્ટી પ્લોટ, ભાવનગર-રાજકોટ રોડ, ચિત્રા ખાતેથી કરવામાં આવશે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ભાવનગરના પૂજનીય સંતો-મહંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓની પ્રેરક હાજરીમાં ૩૮ જેટલી બસો અને કારોના વિશાળ કાફલાને પ્રસ્થાન કરાવવામાં આવશે.
આ ધર્મયાત્રા સોમનાથ ધામ પહોંચ્યા બાદ, સવારે ૯:૦૦ કલાકે એક ભવ્ય શોભા યાત્રા યોજાશે. ત્યારબાદ સોમનાથ મહાદેવના મંદિરે પરંપરાગત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજા-અર્ચના કરી, મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉપસ્થિત ૧૯૦૮ બહેનોના હસ્તે સોમનાથ દાદાના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના પણ કરવામાં આવશે.
સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ આ યાત્રા આગળ વધશે અને ત્રિવેણી સંગમ તથા પવિત્ર તીર્થધામ પ્રાચી ખાતે તેમજ ગુરુદેવ બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે દર્શન-ભક્તિનો લાભ લઈ ભાવનગર પરત ફરશે.
આ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, "પોતાના વિધાનસભા ક્ષેત્રની માતાઓ અને બહેનોના શ્રવણ બનીને પવિત્ર તીર્થધામોની યાત્રા કરાવવી એ મારા માટે પરમ સૌભાગ્ય અને આધ્યાત્મિક આનંદની ક્ષણ છે. સોમનાથ દાદા, પ્રાચી તીર્થ અને બાપા બગદાણાના આશીર્વાદથી દરેકના જીવનમાં સુખ-શાંતિ વધે તેવી મનોકામના છે."
આ વિશાળ યાત્રાના સુચારુ સંચાલન, ભોજન અને સલામતી માટે વિશેષ સ્વયંમસેવકો ટીમો તૈયાર કરવામાં આવી છે.ભાવનગર શહેરના નાગરિકોમાં આ આયોજનને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
----

(7:02 PM IST)