News of Tuesday, 14th July 2026
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની મોટી ભેટ: વઢવાણ GIDCમાં નવી ESI ડિસ્પેન્સરી અને બ્રાંચ ઓફિસનું ઉદ્ઘાટન
આ સુવિધાથી GIDC ના હજારો કામદારોને ઘરઆંગણે સરળતાથી આરોગ્ય સુવિધા અને સારવાર મળશે તેમજ સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો સીધો લાભ પ્રાપ્ત થશે

સુરેન્દ્રનગર જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર માટે એક ખૂબ જ મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા ટૂંક સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે.
આ મુલાકાત દરમિયાન વઢવાણ જીઆઈડીસી ખાતે શ્રમિકોના હિત માટે એક મોટો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રીના હસ્તે વઢવાણ GIDC માં નવનિર્મિત ESI ડિસ્પેન્સરીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સુવિધા શરૂ થવાથી સ્થાનિક કારખાનાઓ અને ઉદ્યોગોમાં કામ કરતા હજારો શ્રમિકોને મોટી રાહત થશે.
આ પ્રસંગે માત્ર ડિસ્પેન્સરી જ નહીં, પરંતુ શ્રમિકોના વહીવટી કાર્યોને વેગ આપવા માટે એક નવી બ્રાંચ ઓફિસનું પણ કેન્દ્રીય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ અદ્યતન ડિસ્પેન્સરી શરૂ થવાના કારણે GIDC માં રાત-દિવસ મહેનત કરતા ગરીબ અને મધ્યમ વર્ગના કામદારોને કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં ખૂબ જ સરળતાથી અને નજીકના અંતરે તબીબી સારવાર મળી રહેશે. શ્રમિકોને સામાન્ય બીમારીથી લઈને પ્રાથમિક સારવાર માટે હવે લાંબે સુધી ધક્કા ખાવા નહીં પડે.
આ નવીન વ્યવસ્થાના કારણે શ્રમિકોને ભારત સરકારની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળશે. શ્રમિકો અને તેમના પરિવારોનું સ્વાસ્થ્ય સુરક્ષિત બને તે દિશામાં આ એક મોટું કદમ છે. આ હાઈ-પ્રોફાઈલ ઉદ્ઘાટન પ્રસંગે સુરેન્દ્રનગરના સ્થાનિક સાંસદ અને વિવિધ મતવિસ્તારના ધારાસભ્યો સહિત ભાજપના અગ્રણી નેતાઓ અને વહીવટી અધિકારીઓ પણ વિશેષ રૂપે હાજર રહેશે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
