<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવ આવતીકાલથી બે દિ’ કચ્છમાં ભુજમાં ‘ચેરિયા’ વિષયક સેમિનારમાં હાજરી આપશે : અબડાસામાં ઘોરાડ સંરક્ષણ કામગીરીનું કરશે નિરીક્ષણ

 

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ :  કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી  ભૂપેન્દ્ર યાદવ આવતીકાલ તા. 13 અને 14 સપ્ટેમ્બરના રોજ બે દિવસીય કચ્છ પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન કચ્છમાં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણને લગતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ તથા સમીક્ષા કરવામાં આવશે. 

           મળતી માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ તા. 13 સપ્ટેમ્બરના રોજ સવારે ભુજ ખાતે ‘ચેરિયા’ (મેન્ગ્રોવ) વિષયક સેમિનારમાં ઉપસ્થિત રહેશે. ચેરિયાંના સંરક્ષણ, પુનઃસ્થાપન અને દરિયાકાંઠાના પર્યાવરણના જતન જેવા મહત્વના મુદ્દાઓ પર સેમિનારમાં ચર્ચા થવાની શક્યતા છે. આ પ્રવાસનો મહત્વનો હિસ્સો તા. 14 સપ્ટેમ્બરના રોજ અબડાસા ખાતે યોજાશે.

        કેન્દ્રીય મંત્રી અબડાસા સ્થિત ઘોરાડ અભયારણ્યની મુલાકાત લઈ નર બાળ ઘોરાડનું નિરીક્ષણ કરશે. રાજસ્થાનથી લાવવામાં આવેલા બાળ ઘોરાડના કચ્છમાં સંરક્ષણ અને ઉછેરના પ્રયાસોને મળેલી સફળતાની પણ તેઓ સમીક્ષા કરશે. કચ્છમાં લુપ્તપ્રાય ‘ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)’ના સંરક્ષણ માટે ચાલી રહેલા પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. 

        માર્ચ 2026માં કચ્છમાં એક દાયકાના અંતરાલ બાદ ઘોરાડના બચ્ચાનો જન્મ ‘જમ્પસ્ટાર્ટ’ અભિગમ દ્વારા થયો હતો. આ પહેલમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગ તથા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો સહયોગ રહ્યો હતો. કેન્દ્રીય મંત્રીની કચ્છ મુલાકાત દરમિયાન ઘોરાડ સંરક્ષણ, બન્ની વિસ્તારની વન્યજીવ વ્યવસ્થા સહિત કચ્છના મહત્વપૂર્ણ પર્યાવરણીય મુદ્દાઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવે તેવી શક્યતા છે. 

         કેન્દ્રીય વનમંત્રીના બે દિવસીય પ્રવાસને પગલે કચ્છના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મંત્રીની મુલાકાતથી કચ્છમાં ઘોરાડ સહિતની લુપ્તપ્રાય વન્યજીવ પ્રજાતિઓના સંરક્ષણ તથા ચેરિયાંના જતન માટે ચાલી રહેલી કામગીરીને વધુ પ્રોત્સાહન મળવાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

(9:24 AM IST)