<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ઉનાનો જીઆરડી જવાન પ૦૦ની લાંચ લેતા ઝડપાયોઃ પોરબંદર એસીબીની સફળ ટ્રેપ

ઉના તાલુકામાં ૪ દિવસ પહેલા બે હજારની લાંચ લેતા એસટી બસનો કંડકટર ઝડપાયા બાદ લાંચ લીધાનો બીજો બનાવ

 

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧૭:  પોરબંદર એસીબીએ ટ્રેપ ગોઠવીને જીઆરડી જવાન સંજય કરશનભાઇને પ૦૦ ની લાંચ લેતા પકડી લીધો હતો.

ઉના તાલુકાના મોટા ડેસર ગામના રહેવાસી અને જીઆરડી જવાન સંજય કરશનભાઇ મકવાણા સામે એક અરજદારે પોરબંદર એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્‍યો હતો કે ચાલ-ચલગતનો દાખલો (કેરેક્‍ટર સર્ટિફિકેટ) કઢાવી આપવા બદલ સંજય મકવાણાએ અરજદાર પાસેથી રૂ.૧,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.

આ ફરિયાદના આધારે પોરબંદર એસીબીએ પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી. માંગણીની પુષ્ટિ થતાં અધિકારીઓએ ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન ઉના પોલીસ સ્‍ટેશનમાં જ અરજદાર પાસેથી રૂ.૫૦૦ની લાંચ સ્‍વીકારતા સંજય કરશનભાઇ મકવાણાને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્‍યા હતા.

આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબી દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે તેમજ લાંચની માંગણીમાં અન્‍ય કોઈ વ્‍યક્‍તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

ચાર દિવસ અગાઉ જ ઉના-જખોબંદર રૂટના એસટી બસના એક કંડક્‍ટરને પાર્સલ સંબંધિત કામમાં રૂ.૨,૦૦૦ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્‍યો હતો.(૪.૫)

 

(11:10 AM IST)