News of Thursday, 16th July 2026
ઉના પોલીસ સ્ટેશનના જીઆરડી જવાન સંજયભાઈ કરશનભાઈ મકવાણા લાંચ લેતા ઝડપાયા : એસીબી પીઆઈ બી.કે. ગમારના નેતૃત્વમાં સફળ ટ્રેપ
ચાલ-ચલગતનો દાખલો કાઢવા માટે ૫૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાયો આરોપી : સુપરવિઝન અધિકારી બી.કે. ગમાર અને ઇન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસીબીની લાલ આંખ

પોરબંદર:રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે વધુ એક સફળ ટ્રેપ હાથ ધરી લાંચિયા તત્વને ઝડપી પાડવામાં આવ્યો છે. ગીરસોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જીઆરડી જવાન સંજયભાઈ કરશનભાઈ મકવાણાને એસીબીની ટીમે ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિકે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીના મિત્રને પોતાના ચાલ-ચલગતનો દાખલો (કેરેક્ટર સર્ટિફિકેટ) કઢાવવાનો હતો. આ દાખલો કાઢી આપવાના અવેજ પેટે ઉના પોલીસ સ્ટેશનના જીઆરડી જવાન આરોપી સંજયભાઈ કરશનભાઈ મકવાણાએ શરૂઆતમાં ૫૦૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ આ લાંચની રકમ ૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા તા. ૧૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ ઉના પોલીસ સ્ટેશન ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન ઉના પોલીસ સ્ટેશનમાં આવેલા ક્રાઇમ રાઇટરના રૂમમાં જ આરોપી સંજયભાઈ કરશનભાઈ મકવાણાએ ફરિયાદી પાસેથી લાંચ પેટે ૫૦0 રૂપિયા સ્વીકાર્યા હતા. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને રંગેહાથ પકડી પાડ્યો હતો અને લાંચની સ્વીકારેલી ૫૦૦ રૂપિયાની રકમ પણ ઘટનાસ્થળેથી રિકવર કરી લીધી હતી.
આ સમગ્ર ટ્રેપની કામગીરી પોરબંદર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.કે. ગમાર તથા તેમના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ ટ્રેપનું સુપરવિઝન જુનાગઢ એસીબી એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.કે. ગમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યવાહીનું માર્ગદર્શન રાજકોટ એસીબીના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. હાલમાં એસીબી દ્વારા આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
