તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
લીંબડીના સૌકા ગામે ભોગાવો નદીમાં નહાવા ગયેલા બે યુવકોના ડૂબી જવાથી મોત
ગરમીથી બચવા નદીએ ગયેલા જયેન્દ્ર પન્નારા અને જીગ્નેશ પરમાર ઊંડા પાણીમાં ગરકાવ થયાઃ ફાયર ફાઈટર અને તરવૈયાઓએ કલાકોની જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢયા

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામે કરુણ ઘટના બની છે. ગામની સીમમાંથી પસાર થતી ભોગાવો નદીમાં નહાવા ગયેલા બે યુવકોના ડૂબી જવાથી મોત થતાં સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ જિલ્લામાં પડી રહેલી આકરી ગરમીથી રાહત મેળવવા સૌકા ગામના જયેન્દ્ર પન્નારા ઉ.વ. ૨૫ અને જીગ્નેશ પરમાર ઉ.વ. ૨૩ નદીએ નહાવા માટે ગયા હતા. દરમિયાન બંને યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો નદી કાંઠે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ફાયર ફાઈટરની ટીમ અને લીંબડીના સ્થાનિક તરવૈયાઓએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. કલાકોની ભારે જહેમત બાદ બંને યુવકોના મળતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
બંને મળતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડીની સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નાના એવા સૌકા ગામમાં એક સાથે બે યુવકોના મોતથી ગામ આખામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બંને યુવકોના પરિવારમાં માતમ છવાયો છે અને ગ્રામજનોમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
