<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ચોટીલા-રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા નજીક ઓડી કારે બે મહિલાઓને અડફેટે લેતા બંનેનાં ઘટનાસ્થળે મોત:એક યુવાન ગંભીર

બે મહિલાઓ રસ્તો ઓળંગી રહી હતી ત્યારે અમદાવાદ તરફથી આવી રહેલી ઓડી કારે બંને મહિલાઓને અડફેટે લીધી

ચોટીલા-રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફથી આવી રહેલી પૂરઝડપે ઓડી કારે રોડ ક્રોસ કરી રહેલી બે મહિલાઓને જોરદાર ટક્કર મારતાં બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે આ અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ચોટીલાથી આગળ આપા ગીગાના ઓટલા નજીક બે મહિલાઓ રસ્તો ઓળંગી રહી હતી. આ દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી ઓડી કારે બંને મહિલાઓને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને મહિલાઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતમાં એક યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. બે મહિલાનાં મોતના સમાચારથી આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી.

અકસમાતની ઘટના બાદ ચોટીલા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોને અકસ્માતની જાણ વહેલી થઈ હોવા છતાં પોલીસને ઘટનાની જાણ થવામાં અને પોલીસ ઘટનાસ્થળે પહોંચવામાં કલાકોનો વિલંબ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

(12:46 AM IST)