તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
કચ્છ સરહદે ૩.૬ અને ૩.૨ ની તીવ્રતાના ભૂકંપના બે જોરદાર આંચકાથી ધરા ધ્રૂજી : ખાવડા અને ધોળાવીરા નજીક માત્ર ૩ મિનિટના અંતરે કંપન
પાકિસ્તાન બોર્ડર નજીક ક્રિક વિસ્તારમાં બંને ભૂકંપના કેન્દ્રબિંદુ નોંધાયા : સાઉથ વાગડ ફોલ્ટ લાઈન સક્રિય થતાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ફફડાટ

વિનોદ ગાલા દ્વારા, ભુજ: કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપ સક્રિય થતાં સરહદી વિસ્તારો ધ્રૂજી ઊઠ્યા છે. આજે બપોરે કચ્છ સરહદે પશ્ચિમ અને પૂર્વ એમ બંને બાજુએ માત્ર ૩ મિનિટના ટૂંકા ગાળામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
બપોરે ૨:૨૦ વાગ્યે ખાવડા નજીક ૩.૬ ની તીવ્રતાનો પ્રથમ આંચકો:
આજે બપોરે બરાબર ૨:૨૦ મિનિટે પશ્ચિમ કચ્છ સરહદે ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયો હતો. ખાવડાથી આશરે ૩૨ કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં આ ભૂકંપ નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૬ ની માપવામાં આવી હતી. આ પ્રથમ આંચકાનું કેન્દ્રબિંદુ સરહદી ક્રિક વિસ્તારમાં હોવાનું સત્તાવાર વિગતોમાં સામે આવ્યું છે.
માત્ર ૩ મિનિટ બાદ ધોળાવીરા નજીક ૩.૨ ની તીવ્રતાનું બીજું કંપન:
પ્રથમ આંચકાના આઘાતમાંથી લોકો બહાર આવે તે પહેલાં જ, બપોરે ૨:૨૩ મિનિટે પૂર્વ કચ્છ તરફ ધોળાવીરાથી ૩૨ કિલોમીટર દૂર ભૂકંપનો બીજો આંચકો નોંધાયો હતો. આ બીજા કંપનની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૨ ની આંકવામાં આવી હતી. આ બંને કંપનોના કેન્દ્રબિંદુ ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ક્રિક વિસ્તારમાં જ નોંધાયા છે, જેના કારણે સરહદી પટ્ટી પર ભૂસ્તરીય હલચલ તેજ બની હોવાના સંકેતો મળી રહ્યા છે.
સાઉથ વાગડ ફોલ્ટ લાઈન સક્રિય થઈ:
ભૂસ્તર વિજ્ઞાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પૂર્વ અને પશ્ચિમ કચ્છની સરહદ પર જે બે કંપન નોંધાયા છે, ત્યાં ભૂકંપની સંવેદનશીલ ગણાતી 'સાઉથ વાગડ ફોલ્ટ લાઈન' આવેલી છે. આ ફોલ્ટ લાઈન સક્રિય થવાના કારણે જ થોડા જ સમયના અંતરે આ બે આંચકા અનુભવાયા છે. હાલ આ આંચકાઓને પગલે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી, પરંતુ સરહદી પંથકમાં સતત અનુભવાતા કંપનોને લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
