News of Wednesday, 28th October 2026
ભચાઉ નજીક નંદગામ પુલિયા પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતાં ગાંધીધામના બે કિશોરના મોત
ભચાઉ પોલીસ મથકે ગાંધીધામની કાર્ગો ઝૂંપડપટ્ટી નજીક બાપા સીતારામનગરમાં રહેતા પાર્થ મકવાણાએ ટ્રક ડ્રાઈવર સામે ફરિયાદ

ભચાઉઃ ભચાઉના નાની ચીરઈ નજીક નંદગામના પુલ ચઢતી વખતે ટ્રકે બાઈકને અડફેટે લેતાં બાઈક પર સવાર પર ૧૭ વર્ષના બે મિત્રોના મૃત્યુ નીપજ્યાં છે. ગત રાત્રે સાડા ૧૧ના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ અંગે આજે સાંજે ભચાઉ પોલીસ મથકે ગાંધીધામની કાર્ગો ઝૂંપડપટ્ટી નજીક બાપા સીતારામનગરમાં રહેતા પાર્થ મકવાણાએ ટ્રક ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી છે.
પાર્થે જણાવ્યું હતું કે રાત્રે ૧૧ વાગ્યે તેણે અને અન્ય ત્રણ મિત્રો રમેશ ઊર્ફે જીગો ભુરાભાઈ રબારી, દિનેશ પુંજાભાઈ આહીર (બંનેની ઉંમર ૧૭ વર્ષ) તથા દર્શન પરમારે કબરાઉ મોગલધામના દર્શને જવાનું નક્કી કરેલું. પાર્થ દર્શનની માલિકીની બાઈક પાછળ બેઠેલો અને દિનેશ આહીર રમેશ રબારીની બાઈક પાછળ બેઠેલો.ચારે મિત્રો બાઈક પર વરસાણા નંદગામના પુલિયા નજીક પહોંચેલાં. દિનેશ અને રમેશ પાર્થ કરતાં આગળ હતા. પુલિયો ચઢતી વખતે જ અચાનક GJ-12 BV-1429 નંબરની ટ્રકે દિનેશની બાઈકને અડફેટે લેતાં બાઈક પાછલાં વ્હિલમાં આવી ગયેલી. ટ્રકની ટક્કરથી દિનેશ અને રમેશ બંને રોડ પર પટકાયાં હતા અને ડ્રાઈવર બાઈકને ઘસડતો ઘસડતો આગળ જતો રહ્યો હતો.
લોહીલુહાણ હાલતમાં પડેલાં બંને મિત્રોને જોઈ પાર્થ અને દર્શન હતપ્રભ થઈ ગયેલાં. લોકોનું ટોળું એકઠું થઈ ગયેલું. કોઈકે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતાં એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી આવી હતી. એમ્બ્યુલન્સના સ્ટાફે માથામાં ગંભીર ઈજા સાથે રોડ પર પડેલાં દિનેશ આહીરને સ્થળ પર મૃત જાહેર કર્યો હતો. રમેશને રામબાગમાં સારવાર માટે લઈ જવાયેલો પરંતુ તબીબે તેને સારવાર પૂર્વે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
