તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
લાલપુરના પડાણા ગામે વીજ કરંટથી બે પરપ્રાંતીય શ્રમિકોના મૃત્યુ
પોતાના ઘેર કપડા સુકવવા જતાં જીવંત વિજતારને હાથ અડવાથી વિજ આંચકો લાગતાં સર્જાઈ કરુણ દુર્ઘટના

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૧૧: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે કરુણાજનક અકસ્માતમાં બે પરપ્રાંતીય શ્રમિકોના વીજ કરંટ લાગતાં મોત નિપજ્યા છે. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ પડાણા ગામે ભાડાના રૂમમાં રહેતા બિહાર રાજ્યના બે શ્રમિકો સુનિલ મહતો ઉર્ફે ચૂની મહતો (ઉ.વ.૩૭) તથા જય પ્રકાશ કુમાર ચંદેશ્વર રાય (ઉ.વ.૩૫) ગઉકાલ તા.૧૦ મે ૨૦૨૬ ના રોજ સવારે આશરે આઠથી સાડા આઠ વાગ્યાના સમયે રૂમમાં પાણીથી સફાઈ કામગીરી કરી રહ્યા હતા.
ત્યારબાદ બંને કપડા સુકવવા માટે તાર બાંધતા હતા. દરમિયાન કપડા સુકવવાના તારનું જોડાણ પાસે ટેપ મારવામાં આવેલ ઇલેક્ટ્રિક વાયર સાથે સંપર્ક થતાં બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ગંભીર કરંટ લાગતાં બંને શ્રમિકો બેશુદ્ધ બન્યા હતા.
જેથી તેઓને તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ફરજ પરના તબીબે બંને ના મળત્યુ નિપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે વેપારી રાજેન્દ્રકુમાર ગેયા સાહુ દ્વારા મેઘપર પોલીસ મથકમાં જાણ કરવામાં આવતાં મેધપર (પડાણા) પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. વી.સી. જાડેજા ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મળતદેહોનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે મેધપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.) કલમ ૧૯૪ મુજબ નોંધ કરવામાં આવી છે. બંને મળતદેહોને આજે તેઓના વતનમાં લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
