News of Thursday, 23rd April 2026
મૂળી-થાન રોડ ઉપર રખડતા ખુંટીયાને કારણે સર્જાયેલા અકસ્માતમાં બેના મોત
બાઇક-રીક્ષા વચ્ચે ટક્કરઃ રૂપાવટી ગામના કાળુભાઈ અને ભાવુબેન લાબરીયાનું સારવાર દરમિયાન મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૩: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી-થાન રોડ ઉપર ખાખરાળા બસ સ્ટેન્ડ નજીક રખડતા ખુંટીયાને કારણે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નિપજ્યા છે. મળતકોમાં રૂપાવટી ગામના કાળુભાઈ ઇન્દુભાઈ લાબરીયા ઉ.વ.૫૫ અને ભાવુબેન લાખાભાઈ લાબરીયા ઉ.વ.૨૫નો સમાવેશ થાય છે.
રાજકોટના બંધીયા ગામના મગનભાઈ બચુભાઈ પરમાર પોતાનું બાઇક લઈને વગડીયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ખાખરાળા બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર અચાનક એક ખુંટીયો આવી ગયો હતો. ખુંટીયાને બચાવવા જતા મગનભાઈએ બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેમનું બાઇક સામેથી આવતી રીક્ષા સાથે અથડાયું હતું.
ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક અને રીક્ષા બંને રોડ પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર કાળુભાઈ અને ભાવુબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક થાન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરાયા હતા. જોકે સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા અને જિલ્લા મથકે રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રોજબરોજ પશુઓ સાથે વાહનોના અકસ્માત સર્જાય છે અને અનેક લોકોને ઈજા થાય છે. અકસ્માતને પગલે મૂળી-થાન રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
