તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
મોરબીમાં ટ્રકની અડફેટે બે સાઢુ ભાઈઓને નડ્યો ગમખ્વાર અકસ્માત: એકનું કમકમાટીભર્યું મોત
મહેન્દ્રનગર નજીક ટ્રકનું ટાયર વૃદ્ધના પગ પર ફરી વળતા સર્જાઈ દુર્ઘટના, અકસ્માત બાદ ચાલક ફરાર

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈટીઆઈ નજીક ગત રોજ એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રક ચાલકે બે સાઢુ ભાઈઓના એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારતા એક વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર અન્ય એક વૃદ્ધને બંને પગમાં ગંભીર ઈજાઓ અને ફેક્ચર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ઘટનાની વિગતો મુજબ, મોરબીના ઘૂટું ગામના વતની ૮૩ વર્ષીય નરભેરામભાઇ નાગજીભાઈ સનારીયા અને તેમના સાઢુ ભાઈ ૭૨ વર્ષીય દેવજીભાઈ હરખજીભાઈ સનારીયા એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રક નંબર આરજે ૧ જીડી ૨૫૭૭ ના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બંને વૃદ્ધો રસ્તા પર નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં ટ્રકનું પાછળનું ટાયર નરભેરામભાઇના પગ પરથી ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અકસ્માત અંગે ઈજાગ્રસ્ત દેવજીભાઈ સનારીયાએ સારવાર બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી દેવજીભાઈને પણ બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. વૃદ્ધ સાઢુ ભાઈઓના અકાળે અકસ્માતનો ભોગ બનતા ઘૂટું ગામના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડ્યો છે અને ટ્રક ચાલકને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુનામાં વપરાયેલ ટ્રકને પોલીસે કબ્જે કરી તેના રજિસ્ટ્રેશન નંબરના આધારે ચાલક સુધી પહોંચવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ ઘટનાએ ફરી એકવાર મોરબીના વ્યસ્ત માર્ગો પર ભારે વાહનોની ગતિ અને સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. આઈટીઆઈ અને ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે અહીં અવરજવર સતત રહેતી હોય છે, જેમાં અવારનવાર આવી દુર્ઘટનાઓ જોવા મળતી હોય છે. પોલીસે હાલમાં ટ્રક ચાલક સામે કાયદેસરનો ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે ખાસ ટીમો બનાવી છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
