તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
વેરાવળના જાલેશ્વર દરિયાકાંઠે મોજાં સાથે બે પિતરાઈ બહેનો તણાઈઃ ૧૭ વર્ષીય નિકિતાનું મોતઃ એક સારવારમાં

(દિપક ક્કકડ દ્વારા) વેરાવળ, તા.૬: નજીક આવેલા જાલેશ્વર દરિયા કિનારે રવિવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. દરિયાના ધસમસતા પ્રવાહમાં બે યુવતીઓ તણાઈ ગઈ હતી, જેમાં ૧૭ વર્ષની નિકિતા રામભાઈ પંડિતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે દરિયામાં ડૂબતી બે દીકરીઓને જોઈને માછીમારો મદદે પહોંચ્યા હતા અને રેસ્કયુ કર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર કોળી સમાજ અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જ્યારે અન્ય એક યુવતી આરતીબેન ઉદયભાઈ વાયેલું (ઉ.વ.૨૪) વેરાવળ હાલ હોસ્પિટલમાં છે.
મળતી માહિતી મુજબ વેરાવળના હરસુખ ગોહેલ પોતાની બે પિતરાઈ બહેનો સાથે જાલેશ્વર દરિયા કિનારે આવેલા રામદેવજી મહારાજના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ ત્રણેય જણ દરિયા કિનારે પહોંચ્યા હતા. તે દરમિયાન અચાનક આવેલા ભારે મોજાંમાં એક યુવતી તણાવા લાગી હતી. તેને બચાવવા જતાં બીજી યુવતી પણ દરિયાના પ્રચંડ પ્રવાહમાં સપડાઈ ગઈ હતી. ઘટના અંગે હરસુખ ગોહેલે જણાવ્યું કે રવિવારની રજા હોવાથી અમે પરિવાર સાથે દર્શન કરવા આવ્યા હતા. દર્શન બાદ બંને બહેનો દરિયા કિનારે ગઈ ત્યારે અચાનક આવેલા મોજાંના કારણે તણાવા લાગી હતી. મેં એક બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજી બહેન ઊંડા પાણીમાં ખેંચાઈ ગઈ હતી.
માછીમારોની બહાદુરી છતાં કિશોરીને ન બચાવી શકાઈ યુવતીઓ ડૂબતી હોવાની બૂમાબૂમ થતાં જ નજીકમાં હાજર જાલેશ્વરના માછીમાર સમુદાયના લોકો તરત જ દરિયામાં કૂદી પડ્યા હતા. માછીમારોએ ભારે જહેમત બાદ બંને યુવતીઓને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. જોકે, ગંભીર હાલતમાં રહેલી નિકિતા રામભાઈ પંડિત (ઉંમર ૧૭, રહે.વેરાવળ)ને બચાવી શકાઈ નહોતી અને સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. જ્યારે બીજી યુવતી હાલ તબીબોની દેખરેખ હેઠળ છે.
આ કરુણ ઘટનાની જાણ થતાં જ કોળી સમાજના આગેવાનો ભીમભાઈ વાયલું, હિતેશ ચારિયા, હિરેન ધારેચા, એડવોકેટ દેવાભાઈ ધારેચા સહિતના આગેવાનો અને પરિવારજનો વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
