<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

મોરબીમાં ટી-20 મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા બે ઝડપાયા.

એ ડિવિઝન પોલીસે રૂપિયા 26600નો મુદ્દામાલ જપ્ત કર્યો, અન્ય એક આરોપીનું પણ નામ ખુલ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના રવાપર રોડ વિસ્તારમાં ભારત- ન્યૂઝીલેન્ડ વચ્ચેના ટી-20 ક્રિકેટ મેચ પર ઓનલાઈન મોબાઈલ ફોનમાં એપ્લિકેશન મારફતે ક્રિકેટનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડયા છે. આ દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 26600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે સટ્ટા માટે આઈડી આપનાર એક શખ્સ ફરાર હોવાથી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
     બનાવની વિગત મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન રવાપર ચોકડી પાસે એક શખ્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલતી ટી-20 મેચ પર મોબાઈલ દ્વારા સોદા કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને રવાપર રેસિડેન્સીના ગેઈટ પાસેથી દિપકભાઈ રાજુભાઈ બુદ્ધદેવને ઝડપી પાડયો હતો. તેની પૂછપરછમાં આ સટ્ટાકાંડમાં મકરાણીવાસના હુશેનભાઈ અલ્લારખાભાઈ શેખની પણ સંડોવણી ખુલતા પોલીસે તેને પણ દબોચી લીધો હતો. આ બંને આરોપીઓ મોબાઈલમાં ઓનલાઈન આઈડી મેળવીને રનફેર અને હારજીતનો જુગાર રમી અને રમાડી રહ્યા હતા.
  પોલીસે પકડાયેલા આરોપીઓની અંગઝડતી કરતા દિપકભાઈ પાસેથી રૂપિયા 3100 અને હુશેનભાઈ પાસેથી રૂપિયા 3500 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત સટ્ટો રમવા માટે ઉપયોગમાં લેવાયેલા રૂપિયા 20000 ની કિંમતના બે સ્માર્ટફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ પોલીસે કુલ રૂપિયા 26600 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધ્યો છે. આરોપીઓની વધુ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેઓએ આ સટ્ટાનું આઈડી મોરબીના જ વસીમભાઈ કઈડા નામના શખ્સ પાસેથી લીધું હતું, જેથી પોલીસે વસીમભાઈને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે

(1:08 AM IST)