<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

મોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા.

બંને આરોપીઓને અલગ અલગ સ્થળેથી ઝડપી લઈ માળિયા મિયાણા પોલીસને સોંપવામાં આવ્યા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સરહદી રેન્જ ભુજ દ્વારા રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા તેમજ ચાલુ તપાસના ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ૧૫ ઓક્ટોબર સુધી ખાસ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત સ્થાનિક પોલીસ અને વિવિધ બ્રાન્ચ દ્વારા બાતમીદારો તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન લાંબા સમયથી પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસને ચકમો આપી નાસતા ફરતા બે શખ્સોને પકડી પાડવામાં પોલીસ ટીમને મોટી સફળતા સાંપડી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે માળિયા મિયાણા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા મનસુખભાઈ રણાભાઈ ચાવડા (ઉ.વ. ૨૬, રહે. ઇન્દિરાનગર, મોરબી-૨) ને મોરબી નટરાજ ફાટક પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક કાર્યવાહીમાં, માળિયા મિયાણાના જ અન્ય એક પ્રોહિબિશનના કેસમાં ફરાર મૂળ તળાજા (જિલ્લો ભાવનગર)ના વતની અને હાલ માણાબામાં રહેતા મહેન્દ્રસિંહ જીતુભાઈ ગોહિલ (ઉ.વ. 30) ને મોરબી ભીમસર ચોકડી પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓની અટકાયત કરી તેઓને માળિયા મિયાણા પોલીસ સ્ટેશનને સોંપી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી પીઆઈ એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ વી.જી. માલાણી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

(10:11 PM IST)