<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

કચ્છના તુણા ગામે રામદેવપીરના કાર્યક્રમમાં વીડિયો ઉતારવા મુદ્દે બે જૂથ બબાલ: ૧૨ સામે ગુનો નોંધાયો

વીડિયો ઉતારવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષ વચ્ચે મારામારી; લાકડી-ધોકા વડે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ, કંડલા મરીન પોલીસે તપાસ હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  અંજારના તુણા ગામે રામદેવપીરના કાર્યક્રમ દરમિયાન વીડિયો ઉતારવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની હતી. સમગ્ર મામલે કંડલા મરીન પોલીસ મથકે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ 12 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી રાજેશભાઈ નારાણભાઈ યાદવના જણાવ્યા અનુસાર, ૨૨ સપ્ટેમ્બરના રોજ તુણા ગામે રામદેવપીરનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. દરમિયાન તેઓ ત્યાં ઊભા હતા ત્યારે કેટલાક આરોપીઓએ આવીને “તું અમારો વીડિયો કેમ ઉતારે છે?” તેમ કહી બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો પર લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, સામા પક્ષે શંકરભાઈ નારણભાઈ મકવાણાએ આ જ વિવાદ અને મારામારીના સંદર્ભમાં કંડલા મરીન પોલીસ મથકે વળતી ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષની ફરિયાદોને આધારે પોલીસે રાયોટિંગ, મારામારી તથા ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં સામેલ બંને પક્ષના લોકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.

(1:34 PM IST)