<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

કચ્છના પિંગલેશ્વર દરિયાકાંઠે સુનામીની મોકડ્રિલ : ૪૦૧ ગ્રામજનો સહિત ૮૮૮ પશુઓનું કરાયું સલામત સ્થળે સ્થળાંતર

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી મોકડ્રિલમાં બાળકો, સગર્ભા મહિલાઓ, માછીમારો સહિત ગ્રામજનોને આપત્તિ સમયે સલામત સ્થળે ખસેડવાની કામગીરીનું પ્રાયોગિક નિદર્શન કરાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : UNESCOના Tsunami Ready Recognition Programme (TRRP) અંતર્ગત કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના પિંગલેશ્વર (રાપરગઢ) દરિયાકાંઠાના વિસ્તારને સુનામી સંભવિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવ્યો હોવાથી આપત્તિ અંગે લોકજાગૃતિ કેળવવા અને સંભવિત આપત્તિ સમયે તંત્રની સજ્જતા તથા અસરકારક પ્રતિસાદની ચકાસણી કરવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુનામી અંગેની મોકડ્રિલ યોજવામાં આવી હતી.

મોકડ્રિલના સુચારુ આયોજન માટે પ્રાંત અધિકારી, અબડાસાને નોડલ ઓફિસર તરીકે તથા મામલતદાર, અબડાસા અને તાલુકા વિકાસ અધિકારી (TDO), અબડાસાને સહનોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. નોડલ અધિકારી દ્વારા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજી જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી. આ દરમિયાન મોકડ્રિલ વખતે કરવાની કામગીરી અને જવાબદારીઓ અંગે તમામ વિભાગના અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક સ્તરે વહીવટી તંત્રને જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.

મોકડ્રિલ દરમિયાન ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગાંધીનગર દ્વારા ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસિસ (INCOIS) અંતર્ગત કાર્યરત ઇન્ડિયન સુનામી અર્લી વોર્નિંગ સેન્ટર (ITEWC) પાસેથી મળતી માહિતીના આધારે બુલેટિન મોકલી સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ભુજ તરફથી મળેલા સંદેશાઓના આધારે સ્થાનિક સ્તરે તબક્કાવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.

સંભવિત સુનામીની ચેતવણી અંગે મંદિર અને મસ્જિદમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકર દ્વારા ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સગર્ભા મહિલાઓ, આંગણવાડી અને પ્રાથમિક શાળાનાં બાળકો સહિત ગ્રામજનોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોકડ્રિલ દરમિયાન આંગણવાડી કેન્દ્રનાં ૨૫ બાળકો, પ્રાથમિક શાળાનાં ૪૯ બાળકો, ૪૦૧ ગ્રામજનો, ૩ સગર્ભા મહિલાઓ, ૮૮૮ પશુઓ અને ૩ માછીમારો સહિત તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ તમામને સેફ શેલ્ટર હોમ તરીકે નિર્ધારિત જૈન સમાજવાડી અને ગ્રામપંચાયત રાપરગઢ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી દ્વારા આપત્તિ સમયે ચેતવણી મળતાં જ કેવી રીતે ઝડપથી સ્થળાંતર કરવું અને માનવજીવનની સાથે પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવી તેનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું.

 

મોકડ્રિલ પૂર્ણ થયા બાદ ડી-બ્રીફિંગ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત નિરીક્ષકોએ મોકડ્રિલ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી તાત્કાલિક કામગીરી, લેવાયેલા નિર્ણયો અને સંકલન અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી સમગ્ર કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

આ મોકડ્રિલના આયોજનથી પિંગલેશ્વર (રાપરગઢ) દરિયાકાંઠાના વિસ્તારમાં સુનામી જેવી કુદરતી આપત્તિ સામે સજ્જતા, જનજાગૃતિ, સમયસર ચેતવણી અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

(9:24 AM IST)