<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

વેરાવળ-જૂનાગઢ હાઈવે પર પેટ્રોલ પંપ નજીક ટ્રકમાં આગ લાગી

ડ્રાઇવરની સમયસૂચકતાથી ટ્રકને પેટ્રોલ પંપથી દૂર ખસેડાયો, ફાયર ટીમે કાબૂ મેળવી મોટી દુર્ઘટના ટાળી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૨૭: વેરાવળ-જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલા જયવર્ધન પેટ્રોલ પંપ નજીક ઓગળભાઈ મસરીભાઈ ચુડાસમાની માલિકીનો ટ્રક નંબર જીજે-૩૨-ટી-૫૬૮૭ પાર્ક કરવામાં આવ્‍યો હતો. દરમિયાન અચાનક ટ્રકની કેબિનમાં આગ લાગતાં જોતજોતામાં પરિસ્‍થિતિ ગંભીર બની હતી. પેટ્રોલ પંપની નજીક જ આગની ઘટના બનતાં આગ વધુ ફેલાવાની આશંકા વચ્‍ચે સ્‍થળ પર અફરાતફરી મચી ગઈ હતી.

આ સમયે ટ્રકના ડ્રાઇવરે પરિસ્‍થિતિની ગંભીરતા સમજી સમયસૂચકતા દાખવી હતી. તેણે ટ્રકને પેટ્રોલ પંપની હદથી થોડો આગળ ખસેડી લીધો હતો. આ નિર્ણયથી આગની ઘટનાને પગલે ઊભા થયેલા સંભવિત જોખમને ઘટાડવામાં મદદ મળી હતી. દરમિયાન ઘટનાની જાણ વેરાવળ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર સ્‍ટેશનનો સ્‍ટાફ તાત્‍કાલિક હરકતમાં આવ્‍યો હતો.

વેરાવળ ફાયર સ્‍ટેશનના ડી.સી.ઓ. હરપાલસિંહ ખેર અને ફાયરમેન કેતન વાળા સહિતની ટીમ જરૂરી સાધનો સાથે ઘટનાસ્‍થળે પહોંચી હતી. ફાયર ટીમે તાત્‍કાલિક પાણીનો મારો ચલાવી ટ્રકની કેબિનમાં લાગેલી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગની ઝડપી કામગીરીના પગલે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્‍યો હતો.

પેટ્રોલ પંપ નજીક ટ્રકમાં આગ લાગવાની આ ઘટનાએ થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જ્‍યો હતો. જોકે, ડ્રાઇવરની સમયસૂચકતા અને ફાયર વિભાગની ત્‍વરિત કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગેની વિગતો સામે આવી નથી. પ્રાથમિક અનુમાન મુજબ વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક તબક્કે મનાય રહ્યું છે.

(10:47 AM IST)