તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
જોડીયાના નેસડા ગામે સેવા અને સંસ્કારનો ત્રિવેણી સંગમઃ ૨૫મો ભવ્ય સમુહ લગ્નોત્સવ અને મહા રક્તદાન કેમ્પ યોજાશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૬: જોડીયા હાલાર પંથકમાં જીવદયા અને સામાજિક ઉત્થાન માટે કાર્યરત ‘શ્રી હાલાર સર્વજીવ સેવા સમાજ ટ્રસ્ટ' દ્વારા આગામી તારીખ ૨૨ મે ૨૦૨૬, શુક્રવારના રોજ જોડીયા તાલુકાના નેસડા ગામે એક ભવ્ય સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંસ્થા દ્વારા ૨૫મો રજત જયંતી સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ અને મહા રક્તદાન કેમ્પ યોજાશે.
સંસ્થાના સ્થાપક અને સમુહ લગ્નના પ્રણેતા સ્વ. શ્રી ધનજીઅદાની સ્મળતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અનેક નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. શ્રી હરસિદ્ધિ ધામ મંદિર અને અન્નક્ષેત્ર દ્વારા સંચાલિત આ ટ્રસ્ટ માત્ર લગ્નોત્સવ જ નહીં, પરંતુ નિરાધાર અને બીમાર ગાયોની સેવા માટે પણ જાણીતું છે. આ સેવાકાર્યના ભાગરૂપે જ લગ્ન પ્રસંગની સાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમાજ માટે પ્રેરણારૂપ બનશે.
આ સમગ્ર આયોજન અંગે વિગતો આપતા સંસ્થાના સંચાલક અને શ્રીમદ્ ભાગવત કથાકાર શાષાી શ્રી દિપકભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે ૨૫મો સમુહ લગ્ન હોવાથી ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. સમુહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી રમેશભાઈ મકવાણા (ગૌ-ભક્ત) અને સભ્ય શ્રી રાકેશભાઈ પંચાસરા (રાજ ટેલીકોમ - રાજકોટ) ના નેતળત્વમાં સમગ્ર ટીમ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી રહી છે.
આ કાર્યક્રમમાં ‘બેટી બચાવો - બેટી પઢાવો' અને પર્યાવરણના જતન માટે ‘મારે આંગણે તુલસીનો કયારો' જેવા સામાજિક સંદેશાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. નેસડા ગામના આંગણે યોજાનાર આ માંગલિક અને સેવાકીય પ્રસંગમાં પધારવા અને રક્તદાન કરી પુણ્યનું ભાથું બાંધવા ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રમેશભાઈ મકવાણાએ આ વિગતો આપી હતી.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
