<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં સારવાર કે સજા ? કાળઝાળ ગરમીમાં બંધ પંખા બંધ હોવાથી હાલાકી ભોગવતા દર્દીઓ

39 ડિગ્રી તાપમાન વચ્ચે 12 નંબર OPD બહાર પંખા બંધ; છાપાં-એક્સ-રે ફિલ્મથી હવા નાખતા દર્દીઓ; વીડિયો વાયરલ થતા તંત્ર સામે રોષ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : જામનગર શહેરની સરકારી જી.જી હોસ્પિટલમાં દર્દીઓ માટેની મૂળભૂત સુવિધાઓ અંગે ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં હાલ લગભગ 39 ડિગ્રી જેટલું કાળઝાળ તાપમાન હોવા છતાં હોસ્પિટલના 12 નંબર OPD બહારની લોબીમાં પંખા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાને કારણે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

બપોરના સમય દરમિયાન દર્દીઓની લાંબી લાઈનો લાગતી હોય છે, ત્યારે ગરમી અને ઉકળાટ વચ્ચે ઉભા રહેવું મુશ્કેલ બની જાય છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ઘણા દર્દીઓ તથા તેમના સગાઓ છાપાં, કેશ પેપર કે એક્સ-રે ફિલ્મ વડે પોતાને હવા નાખીને ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા નજરે પડે છે.

 

સ્થળ પરથી મળતી માહિતી મુજબ ગરમીના કારણે કેટલાક દર્દીઓને ગભરામણ અને બેભાન થવાની સ્થિતિ પણ સર્જાઈ છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ગંભીર દર્દીઓ માટે આવી પરિસ્થિતિ જોખમી સાબિત થઈ શકે છે, જે આરોગ્ય સેવાઓ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

 

આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોસ્પિટલ તંત્ર સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નાગરિકો દ્વારા તાત્કાલિક પંખા ચાલુ કરવા અને ઠંડક માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માંગ ઉઠી છે.

 

આરોગ્ય જેવી આવશ્યક સેવાઓમાં આવી બેદરકારી અસ્વીકાર્ય છે. હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી પંખાઓને દુરસ્ત કરાવી દર્દીઓ માટે પૂરતી હવા અને ઠંડકની સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી બની છે.

(2:03 PM IST)