તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ભાવનગર ડિવિઝનની ટ્રેન સેવાઓ પ્રભાવિત : દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સંપૂર્ણ રદ
વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ સુરેન્દ્રનગર સુધી જ ચાલશે : વેરાવળ-જબલપુર એક્સપ્રેસ વિરમગામ-કટોસણ રોડ-કલોલ થઈ ડાયવર્ટ કરાઈ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર:પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ભારે વરસાદ, રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવા તેમજ ઓપરેશનલ કારણોસર રેલ વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ભાવનગર ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરી ડાયવર્ટ કરાયેલા માર્ગ પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંપૂર્ણપણે રદ કરવામાં આવેલી ટ્રેન:
રેલવે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નંબર ૧૯૦૧૫ દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે ૨૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે સંપૂર્ણપણે રદ રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોની વિગત:
ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ: ૨૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ ઉપડનારી આ ટ્રેન સુરેન્દ્રનગર જંક્શન અને ગાંધીનગર કેપિટલ વચ્ચે અંશતઃ રદ રહેશે.
ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ: ૨૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ ઉપડનારી આ ટ્રેન ગાંધીનગર કેપિટલ અને સુરેન્દ્રનગર જંક્શન વચ્ચે અંશતઃ રદ રહેશે.
આ બંને ટ્રેનો માત્ર વેરાવળ અને સુરેન્દ્રનગર જંક્શન વચ્ચે જ ચલાવવામાં આવશે.
ડાયવર્ટ કરાયેલા માર્ગે ચાલનારી ટ્રેન:
ટ્રેન નંબર ૧૧૪૬૩ વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, જે ૨૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે તેના નિયમિત માર્ગના બદલે બદલાયેલા માર્ગ એટલે કે વિરમગામ જંક્શન – કટોસણ રોડ – કલોલ – અમદાવાદ થઈને ચલાવવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા મુસાફરોને મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનના સમય અને સ્ટેટસ અંગે ખાતરી કરી લેવા વિનંતી કરવામાં આવી છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
