તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Sunday, 27th September 2026
જૂનાગઢના વિસાવદર પંથકમાં અનૈતિક સંબંધનો કરુણ અંજામ : પ્રેમપરા ગામે ભત્રીજીની હત્યા કરીને ઝેરી દવા પી લેનાર કૌટુંબિક કાકાનુ પણ મોત
પ્રેમપરાની સીમમાં મહિલાની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા બાદ આરોપી કાકાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા જૂનાગઢ સિવિલમાં સારવાર દરમિયાન તેનું પણ મોત થતા પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢ-વિસાવદર તા.૨૭ : જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામની સીમમાંથી સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. અનૈતિક સંબંધના અંતમાં એક મહિલાની હત્યા બાદ આરોપીએ ઝેરી દવા પી લેતા બંનેના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, મૃતક મહિલાની ઓળખ સુમિતાબેન ચંદ્રસિંહ ઉર્ફે રાણાભાઈ ગોહિલ (ઉ.વ. આશરે 40 વર્ષ) તરીકે થઈ છે. તેમની તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા કરી હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં શંકાસ્પદ તરીકે તેમના કૌટુંબિક કાકા અરજણ ગોવિંદભાઈ ભડેલીયા (ઉ.વ. 42, રહે. પ્રેમપરા) નું નામ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે અનૈતિક સંબંધ હોવાની અને એક ન થઈ શકવાની વાતને લઈ આ પગલું ભર્યાનું ચર્ચાઈ રહ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા કર્યા બાદ અરજણે પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ વિસાવદર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
