News of Monday, 14th September 2026
ઉના અને તાલાલામાં સતત 3 દિવસથી ધોધમાર વરસાદ: વેરાવળ--તાલાલા હાઇવે પર ગોઠણસમા પાણી ભરાયા
ઉનાના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા: ઘુંસીયા પાસે ખેતરો બેટમાં ફેરવાયા:સુકાતા પાકને નવું જીવનદાન મળતાં જગતના તાતમાં ખુશીનો માહોલ

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર યથાવત રહેતાં સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. જિલ્લાના ઉના અને તાલાલા પંથકમાં ગાજવીજ સાથે તૂટી પડેલા અનરાધાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા રહેણાંક વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક નગરપાલિકા અને વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. જોકે, બીજી તરફ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે.
ઉના શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતાં લોકોના ઘરો તેમજ દુકાનોમાં પાણી ઘૂસી જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસે લોકોએ આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તાલાલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદના પરિણામે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઇવે પર ગોઠણસમા પાણી ફરી વળ્યા છે. હાઇવે પર નદી જેવા વહેણ સર્જાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. કેટલાક નાના વાહનો પાણીમાં બંધ પડી જવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
તાલાલા નજીક આવેલા ઘુંસીયા ગામ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ચારેય તરફ પાણી જ પાણી દેખાતા ખેતરો તળાવ જેવા બની ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ ગીર પંથકના ખેડૂતોમાં ભારે આનંદની લાગણી પ્રસરી ગઈ છે. વરસાદ ખેંચાતા જે અમૂલ્ય પાક મુરઝાઈ રહ્યો હતો, તેને આ 3 દિવસના અવિરત વરસાદથી નવું જીવનદાન મળ્યું છે. મગફળી અને કપાસ સહિતના ખરીફ પાકો માટે આ વરસાદ અમૃત સમાન બનતાં ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી રહી છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
